રાજકોટની સિવિલની કોવીડ હોસ્પિટલ માત્ર રાજકોટના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદનું કેન્દ્ર બની છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી છે. બધા જ દર્દીઓની સારવાર અને સેવા થઇ શકે તે માટે હોસ્પિટલ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને હાઉસકીપિંગ સ્ટાફ સંવેદનશીલ છે અને જે દર્દીઓ જમી ન શકે તેમ હોય અથવા તો બાટલા ચાલુ હોય તેમને જમાડવામાં મદદ કરે છે. દર્દીઓને બેડ પરથી ઉભા થવું હોય તેવા સંજોગોમાં તેમને હાથ પકડીને ઉભા કરવામાં મદદ પણ કરે છે. કોરોનાની સારવારમાં દર્દીના સગા સંબંધી દર્દીની પાસે હોતા નથી, તેવા સમયે હોસ્પિટલનો સ્ટાફ પરિવારના સભ્યોની જેમ દર્દીને સાચવે છે. આમ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ’દર્દી દેવો ભવ:’ ની ભાવનાના સાચા અર્થમાં કર્મયોગીઓ ચરિતાર્થ કરી રહયાં છે.