જગ્યા માટે સર્વે કરવા ગાંધીનગરથી કન્સલ્ટન ટીમ આવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
સિવિલ હોસ્પિટલના એક્ષ-રે વિભાગ અને વોર્ડ ૭,૧૦ અને ૧૧ની જગ્યાએ ૧૨ માળનું બિલ્ડિંગ ઉભુ થશે
ટૂંક સમયમાં ઇમરજન્સી ઉપર અને કેટી ચિલ્ડ્રન વિભાગમાં વોર્ડને ખસેડવામાં આવશે
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે ત્યારે સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં સતત વધારો કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં નવી બિલ્ડીંગ ઊભી કરવામાં આવશે. જેના માટે ગાંધીનગર કન્સલ્ટન વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે સુવિધાઓ પણ વધુ મળી રહે તે માટે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી અને મેડિકલ કોલેજ ડીન ડો. સામાણી દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ પગલે આજરોજ ગાંધીનગરથી ટીમ પણ મુલાકાતે આવી હતી અને તબીબી અધિક્ષક સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો. આ અંગે અબતક સાથેની વાતચીતમાં તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દર્દીઓનું ભારણ વધતા અને તેમને સુવિધાઓમાં વધારો આપવા માટે હાલ સિવિલ પ્રાંગણમાં જ્યાં એઇમ્સ છે ત્યાં અને ૭,૧૦,૧૧ નંબરના વોર્ડ સાથે એક્ષ રે વિભાગ છે તે બિલ્ડીંગ પાડી ત્યાં અદ્યતન સાધનો સાથે ૧૨ માળની બિલ્ડિંગ ઊભી કરવામાં આવશે.