સાત માસમાં સ્વાઈન ફલુએ ૪૯નો ભોગ લીધો: આરોગ્ય તંત્રમાં હડકંપ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વકરેલા સ્વાઈન ફલુને નાથવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડયું હોય તેમ સ્વાઈન ફલુના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ સ્વાઈનફલુના બે દર્દીઓના મોત નિપજયા છે. બે મૃત્યુથી સ્વાઈન ફલુ વોર્ડમાં દાખલ દર્દીઓમાં ફફડાટ મચી ગયો છે. વકરેલા સ્વાઈનફલુને નાથવા આરોગ્ય તંત્ર કમરકસી રહ્યું છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના ડાંગાવદર ગામના ૪૫ વર્ષના યુવાન અને ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામની ૩૦ વર્ષિય પરિણીતાને સ્વાઈન ફલુની સારવાર માટે અહીની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં બંનેના રીપોર્ટ પોઝીટીવ આવતા નિષ્ણાંત તબીબોએ સઘન સારવાર આપવાનું શ‚ કર્યું હતુ પરતુ સારવાર દરમિયાન યુવાને કાલે સાંજે અને પરિણીતાએ આજે વહેલી સવારે હોસ્પિટલના બિછાને દમ તોડતા સ્વાઈન ફલુ વોર્ડમાં દાખલ દર્દીઓમાં ફફડાટ મચી ગયો છે. અને આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે.બંનેના મૃત્યુથી તેના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. બંનેના મૃતદેહને સોપતી વખતે તબીબો દ્વારા તેના પરિવારને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.આજ સુધી સ્વાઈન ફલુના કુલ ૪૯ દર્દીઓ ભોગ બન્યા છે. અને હાલ સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૦ દર્દીઓ પોઝીટીવ અને ૮ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે.