એક સપ્તાહથી કેસબારી સહિતના તમામ કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન
સર્વર ડાઉન થતા સ્ટાફ અને દર્દીઓને પડતી હાલાકી: કેસ હાથેથી લખવાની ફરજ પડી
સૌરાષ્ટ્રમાં દર્દી નારાયણી માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં જ ખાટલે મોટી ખોટ વર્તાઈ રહી છે. જેમાં કેસબારી સહિતના કોમ્પ્યુટરનું સર્વર ડાઉન થતા દર્દીઓ અને સ્ટાફે ભારે હાલાકીનો સામનો કરી કેસ હાથેથી લખીને કાઢવા માટેની ફરજ પડી છે.
જેના કારણે સિવિલ હોસ્પિટલના કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન થઈ જતાં સર્વરની સારવાર કોણ કરાવશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.આ અંગેની સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં સિવિલ હોસ્પિટલને એક તરફ અધતન ટેકનોલોજીથી સજ્જ કરવાની વાતો ચાલી રહી છે તો બીજી તરફ સામાન્ય સર્વર જેવી બાબતે સ્ટાફ અને દર્દીઓને એક સપ્તાહ સુધી પિલાતું રહેવું પડે છે.
સિવિલ હોસ્પિટલમાં દરરોજ 1000 થી 1500 જેટલા કેસ નીકળતા હોય છે. આટલા ભરણ વચ્ચે કોમ્પ્યુટર સિસ્ટમ અને સર્વરની માવજત ન થતાં 30મી નવેમ્બરથી જ સર્વર ડાઉન થઈ ગયું હતું અને કોમ્પ્યુટર પર નીકળતા કેસ બંધ થઈ જ્યાં ખાટલે જ મોટી ખોટ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા હાલ સ્ટાફ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કર્મચારીઓને હાથેથી કેસ લખવાની ફરજ પડી હતી.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હરરોજ હજારો દર્દીઓનો ઘસારો રહે છે. જેના કારણે કેસ બારીએ ભીડ લાગતી હોવાથી નવી બારીઓ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ જૂની કેસ બારીઓમાં ચાલતા સર્વરની જ સારવારની જરૂર પડતા ખાટલે મોટી ખોટ જેવી સ્થિતી સર્જાય છે. તો આ સર્વર એક સપ્તાહથી ઠપ્પ થઇ જતા હવે ફરી કયારે શરૂ થશે તે જોવાનું રહ્યું.
નવી બારી પણ સિસ્ટમ જૂની, ક્યારે અપડેટ થશે?
રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં વધતા જતા દર્દીઓના ઘસારા સામે પહોંચી વળવા સુવિધા અને ટેકનોલોજીમાં વધારો કરવાની વાતો અને નવી કેસબારી ચાલુ કરવાના વાયદાઓ વચ્ચે જૂની કેસબારી સહિતના સર્વર ઠપ્પ થઈ જતાં તેનું અપડેશન કોણ કરશે તેવા સવાલો થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી બંધ પડેલા સર્વરને સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યું છે પરંતુ આટલા સમય બાદ પણ હજુ સુધી સર્વર શરૂ ન થતાં સિસ્ટમ ગોટે ચડી હોય તેવું લાગી રહ્યું છે.