૪૦૦ બેડ સુધીની તૈયારી, ૧૫૦ તબીબી કર્મચારી, આધુનિક ઉપકરણો, પોષ્ટિક આહાર સહિતની સવલત
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર વ્યાપ્યો છે ત્યારે ભારત માં પણ તેમાંથી બાકાત નથી રહ્યો. દિન પ્રતિદિન કોરોનાનો ભરડો વધી રહ્યો છે. તેવા સંજોગોમાં આરોગ્ય તંત્ર સતત પ્રથમ દિવસથી આ રોગ પર નિયંત્રણ રાખવા અને નાથવા પ્રયત્નશીલ છે. તબીબી નિષ્ણાંતો થી માંડી નાના નાના તબીબી કર્મચારીઓ જીવના જોખમે આ રોગ સામે સંપૂર્ણ નીડરતા સાથે લડી રહ્યા છે. આ પ્રકારે કાર્યરત વ્યક્તિઓને ’કોરોના વોરિયર્સ’ તરીકેનું બિરુદ આપવામાં આવે છે. આ કોરોના વોરિયર્સ કોરોનાના શરૂઆતી તબક્કાથી માંડી હાલ સુધી કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરીને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે તે અંગે અબતક દ્વારા રાજકોટ પંડિત દિન દયાલ સાર્વજનિક હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ) સ્થિત કોવિડ હોસ્પિટલને કેન્દ્રમાં રાખીને એક વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ, એચઓડી, નોડલ ઓફિસર, તબીબી નિષ્ણાંતો, મેડિકલ ઓફિસર તેમજ નર્સિંગ કર્મચારીઓ સાથે વિશેષ વાતચીત કરવામાં આવી છે. જે વાતચીત દરમિયાન તબીબી અધિકારી – કર્મચારીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. સમગ્ર વાતચીતમાં તમામ અધિકારી – કર્મચારીઓએ પોત પોતાના મત રજૂ કર્યા હતા તેમજ ગત ૪ મહિનામાં આવેલી મુશ્કેલીઓ, ખુશીની લાગણીઓ, કપરી પરિસ્થિતિ તેમજ વ્યથા ’અબતક’ સમક્ષ ઠાલવી હતી.
કોવિડ હોસ્પિટલની ક્ષમતા અને સુવિધાઓ
- ૨૫૦ બેડ સાથેની હોસ્પિટલ
- ટૂંક સમયમાં ૪૦૦ બેડ સુધી પહોંચવાની તૈયારી
- આધુનિક ઉપકરણો સાથે સર્જીકલ આઇસીયું
- કલાસ ૧ થી માંડી તમામ વર્ગના કુલ ૧૫૦ તબીબી કર્મચારીઓ
- સગર્ભા મહિલાઓ માટે પ્રસુતિ ગૃહ
- દર્દીના પરિજનો માટે હેલ્પ ડેસ્ક તેમજ ફૂડ કલેક્શન સેન્ટર
- પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન
- દરેક ફ્લોર પર સેલફોન કે જેના માધ્યમથી પરિજનો તેમના દર્દીને વિડીયો કોંફરન્સના માધ્યમથી પરિસ્થિતિ અંગે તાગ મેળવી શકે
- પોઝિટિવ એનર્જી માટે મ્યુઝિક સિસ્ટમ
- દર્દીઓની મુસાફરી માટે સ્પેશ્યલ વાહનની વ્યવસ્થા
- દર્દીના પરિજનોને બેબાકળા બનતા અટકવવા સ્પેશ્યલ ટીમ
૪ કોરોના પોઝિટિવ ગર્ભવતી માતાઓની પ્રસુતિ કરાવી, કોરોનામાંથી માતા – બાળકનો આબાદ બચાવ કર્યાની ખુશી : ડો. કમલ ગોસ્વામી
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક ડો. કમલ ગોસ્વામીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આપણે ૨૫૦ બેડ સાથે કોરોના સામે લડી રહ્યા છીએ. તેવા સમયે દર્દીઓ અને તેમના પરિજનોની સવલત માટે હેલ્પ ડેસ્ક ઉભું કર્યું, સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યા, દર્દીઓની મુસાફરી માટે સ્પેશ્યલ વાહનની વ્યવસ્થા કરી, દર્દીના પરિજનોની પણ રહેવાની વ્યવસ્થા કરી તેની અમને ખુશી છે. હાલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે. તમામ વોરિયર્સ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે. તેમણે કહ્યું હતું કે નવા બિલ્ડીંગના નિર્માણથી જ અમે અહીં લેબર રૂમ તેમજ પ્રસુતિ ગૃહનું નિર્માણ કર્યું હતું અને તરત જ કોરોનાનો કાળ શરૂ થયો. આ સમયગાળા દરમિયાન હાલ સુધીમાં કુલ ૪ સગર્ભા માતા પણ કોરોના પોઝિટિવ નોંધાઇ જેઓ અહીં સારવાર હેઠળ હતા. જેમાંથી કુલ ૩ માતાઓના સિઝરીયન કરીને માતા – બાળકનો સ્વસ્થ બચાવ કરાયો તેમજ એક સાધારણ પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો આબાદ બચાવ કરીને તેમને રજા અપાઈ. જ્યારે અમે આ માતા – બાળકને રજા આપી ત્યારે તેમના ચહેરા પર જે સ્મિત અને લાગણી જોઈને અમને એવું લાગ્યું કે સાચું કાર્ય અમારું આ જ છે અને તેનું ફળ પણ આ જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સારા પ્રસંગો હોય ત્યાં માઠા પ્રસંગો બનતા જ હોય છે તેવી જ રીતે તમામ દર્દીનો સ્વસ્થ બચાવ કરવા અમે સતત મહેનત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ કેસમાં અમે નિષ્ફળ રહીએ તો ત્યારે દુ:ખની અનુભૂતિ થતી હોય છે. તેમણે અંતે નિચોડ આપતા કહ્યું હતું કે આ ચાર મહિનામાં કોરોનામાં લક્ષણોથી માંડી અનેકવિધ ફેરફારો આવ્યો છે.
અલગ અલગ પ્રકારમાં કેસ દરરોજ સામે આવતા હોય છે ત્યારે દરેક કેસ તેની સાથે અમારા માટે નવી ચેલેન્જ લાવતી હોય છે. અમારે અમારી ફરજ તો બજાવાની હોય જ છે પણ તેની સાથે અલગ અલગ રિસર્ચ સહિતની કામગીરી કરવાની હોય છે જે સતત ચાલુ છે.
દર્દીની નાનામાં નાની જરૂરિયાતને બારીકાઈથી સમજીને ત્વરિત ધોરણે પુરી કરી આબાદ બચાવ કરવા સતત પ્રયત્નશીલ : ડો. મનીષ મહેતા
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સર્વ પ્રથમ કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાયું જેમાં ૫૦ બેડ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રથમ કોરોના પોઝિટિવ રાજકોટમાં નોંધાયો હતો પરંતુ ખુશીની લાગણી ત્યારે થઈ કે આ પોઝિટિવ દર્દીનો અમે સ્વસ્થ બચાવ લરી શક્યા. સતત બે મહિના સુધી આપણે કોરોના પર નિયંત્રણ મૂકી શકવામાં સફળ રહ્યા જેના પરિણામે દરરોજ વધુમાં વધુ ૧૦ કેસ પોઝિટિવ નોંધાતા હતા. પરંતુ લોક ડાઉનમાંથી મુક્તિ મળી, લોકોની અવર જવર વધી, ઇન્ડસ્ટ્રીયલ ઝોન શરૂ થયા જેના કારણે એક જ સ્થળે અનેકવિધ લોકો ભેગા થવા લાગ્યા અને છેલ્લા એક મહિનાથી કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે અમે જુના આઇસોલેશન વોર્ડને કોવિડ વોર્ડમાં રૂપાંતરિત કરી ૨૫૦ બેડની હોસ્પિટલ બનાવી. સર્જીકલ આઇસીયુને પણ રૂપાંતરિત કરી કોરોના માટે ૪૦ બેડની વ્યવસ્થા સાથે કામ આગળ વધાર્યું. હાલ અમે કુલ ૪૦૦ બેડની હોસ્પિટલ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે જેથી ગરીબવર્ગના લોકો કે જેમની પાસે સિવિલ હોસ્પિટલ જ એકમાત્ર ઉપાય છે ત્યાં તેમને સારામાં સારી સારવાર મળી શકે. તેમણે કહ્યું હતું કે કોરોનાની કોઈ ચોક્કસ દવા નથી ત્યારે ફક્ત દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારીને જ આ રોગને મ્હાત આપી શકાય છે. જેને ધ્યાને રાખી હાલ અમે તમામ દર્દીના આહારની ખૂબ જ કાળજી લઈએ છીએ. તેમના શરીરને જરૂરી તમામ પ્રકારના વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ મળી રહે તે પ્રકારનો આહાર અમે દર્દીઓને આપવામાં સફળ રહ્યા છીએ જેથી દર્દીની રોગ પ્રતિકારલ શક્તિ વધે અને તેઓ કોરોના પર જીત મેળવી ખુશખુશાલ થઈને તેમના ઘરે પરત ફરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આઇસોલેશન ખાતે દર્દીએ એકલા રહેવાનું છે ત્યારે તેઓ કંટાળો અનુભવે નહીં તેના માટે દરેક ફ્લોર ખાતે ત્રણ – ત્રણ ટેલિવિઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડ ખાતે સુમધુર સંગીત સાંભળીને દર્દી પોઝિટિવ એનર્જી મેળવે તે હેતુસર સંગીત વગાડવામાં આવે છે. તે ઉપરાંત તમામ વોર્ડ ખાતે મોબાઈલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી દર્દીના કોઈ પરિજન તેમને મળવા ઇચ્છતા હોય તો તેઓ નિરાશ ન જાય અને વિડીયો કોંફરન્સથી તેમના પરિજન સાથે વાત કરી શકે, તેમની પરિસ્થિતિ અંગેનો તાગ વિડીયો કોલના માધ્યમથી મેળવી શકે તેમજ ટૂંક સમયમાં અમે ઇન્ડોર ગેમ્સ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે જેથી દર્દીમાં ઉત્સાહ જાગે અને ઝડપભેર રિકવરી કરી શકાય.
તેમણે માઠા પ્રસંગો વિશે જણાવતાં કહ્યું હતું કે જ્યારે કોઈ દર્દીનો મોત નીપજે એ અમારા માટે સૌથી માઠો સમય હોય છે. દર્દીના પરિજનને આ બાબતની જાણ કરવી પણ અમારા માટે ખૂબ જ દુ:ખદાયક હોય છે. એ ઉપરાંત અંતિમ સંસ્કાર સમયે પણ અમે વધુમાં વધુ ૫ પરિજનોને જ મંજૂરી આપી શકીએ છીએ તો આ સમય અમારા માટે ખૂબ જ કપરો સાબિત થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે દર્દીનું મોત નીપજે ત્યારે ચોક્કસ પરિજનો બેબાકળા બની જતા હોય છે અને તેવા સંજોગોમાં પરિજનો મૃતદેહને તેમના ગામ/શહેર ખાતે લઈ જવાની જીદ કરતા હોય છે તો તેમને સમજણ આપવા માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં અમે એક ટીમ બનાવી છે જેમાં નોડલ ઓફિસર એમ સી ચાવડા સહિતના અધિકારો પરિજનોને સમજણ આપે છે અને અંતે પરિજનો માની પણ જતા હોય છે. મૃતદેહ લઈ જવા માટે પણ સ્પેશ્યલ સબ વાહીનીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે કર્મચારીઓ આ કામ કરે છે તેમને પણ તાલીમ આપવામાં આવી છે અને આ પ્રકારે સમગ્ર પરિસ્થિતિ સામે બાથ ભીડવામાં આવે છે.
કોરોના વોરિયર જ કોરોનાના ભરડામાં આવ્યા પણ સ્વસ્થ થઈને ફરીવાર કામે વળગ્યા
કોવિડ હોસ્પિટલ ખાતે મેડિસિન વિભાગમાંથી નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. મનીષા પંચાલે જણાવ્યું હતું કે અમે જ્યારે હોસ્પિટલની શરૂઆત કરી ત્યારે દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી રહેતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેની સામે લડીને જીતવા માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ દર્દી ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવે, તો તેને વેંટીલેટર ઉપર પણ રાખવો પડતો હોય છે. ક્રિટિકલ પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની ખાસ કાળજી રાખી જ્યારે તેમનો સ્વસ્થ બચાવ કરીએ ત્યારે દર્દી અને તેમના પરિવારજનોના ચહેરા પરનું સ્મિત અમારા તમામ મહેનતનું ફળ એક જ ક્ષણમાં આપી દેતું હોય છે જે અમારા માટે એક ખુશીનો સમય હોય છે. તેમણે સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે જ્યારે હું અને મારા સાથી કર્મચારી અમદાવાદ ખાતે ફરજ બજાવવા ગયા હતા ત્યારે અમને બંનેને ચેપ લાગી ગયો હતો અમે બન્ને સારવાર અર્થે દાખલ થયા હતા પરંતુ આશરે ૧૦ દિવસમાં અમે સ્વસ્થ થયા અને ઘરે પરત ફર્યા તેવા સંજોગોમાં પરિવાર, સહકર્મચારીઓ અને હોસ્પિટલ તંત્રનો ખૂબ જ સારો સહયોગ મળ્યો જેના કારણે ફરીવાર અમે ફરજ પર હાજર થઈને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ.
રાતરવા જ્યારે હેમખેમ ઘરે પહોંચું ત્યારે પરિવારજનો અશ્રુભીની આંખથી સ્વાગત કરે છે : ડો મહેન્દ્ર ચાવડા
રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ રેસિડેન્ટ ઓફિસર ડો. મહેન્દ્ર ચાવડાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે દર્દી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ હોય ત્યારે તેમના પરિજનોને દર્દીની ચિંતા સતત સતાવતી હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આખું પરિવાર જ સારવાર હેઠળ હોય છે ત્યારે તેમની કાળજી રાખવી ખૂબ મહત્વપૂર્ણ બની જતી હોય છે જેમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ. તેમણે આકરી પરિસ્થિતિ વિશે જણાવતાં કહ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો નોંધાયો છે, એવું પણ કહી શકાય કે કોરોના બ્લાસ્ટ થયો છે. કોઈ દર્દીનો મોત નીપજે તો તેમના પરિજનને જાણ કરવી એ ખૂબ જ દુ:ખની લાગણી આપે છે. ત્યારે અમુક દર્દીઓ અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે તેવા સંજોગોમાં તેમના પરિજનો પણ હાજર નથી હોતા કેમકે તેમના પરિજનો કવોરંટાઈન અથવા તો સારવાર અર્થે હોસ્પિટલ ખાતે હોય છે ત્યારે પણ ખૂબ જ દુ:ખ થાય છે કે દર્દીના પરિજનો તેમનું મુખ અંતિમ સમયમાં જોઈ શક્યા નહિ. અંતે તેમણે કોરોના વોરિયર્સની પરિસ્થિતિ અંગે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે મીડિયાનું કામ ન્યુઝ અહેવાલ આપવાનું છે જેમાં હું કોઈ હસ્તક્ષેપ કરી શકું નહીં પણ જ્યારે એ પ્રકારનો અહેવાલ પ્રકાશમાં આવે કે આજે રાજકોટમાં નવા ૫૦ કોરોના પોઝિટિવ નોંધાયા ૫ દર્દીના મોત થયા ત્યારે તમે તમારા કોરોના વોરિયર્સના પરિવારજનો તેમજ દર્દીઓના પરિવારજનોની માનસિક સ્થિતિ ખરાબ કરી રહ્યા છો. જ્યારે પણ હું સવારે હોસ્પિટલ ખાતે આવવા માટે ઘરેથી નીકળતો હોય ત્યારે સવારના અખબારમાં કોરોના બ્લાસ્ટ અંગેમાં સમાચાર પ્રકાશિત થયા હોય જે જોઈને મારી પત્ની – બાળકો મારી સામે શાંત થઈને જોતા હોય છે અને તેમની શાંત આંખોમાં એક જ સવાલ હોય છે કે શુ આજે મારા પપ્પા ઘરે હેમખેમ પરત આવશે કે કેમ ? જ્યારે આ પ્રકારના સમાચાર પ્રકાશિત થાય ત્યારે દર્દીના પરિવારજનોના હૃદયના ધબકારા વધી જતા હોય છે કે અમારા પરિજનનું જાણે શું થયું હશે ? રાત્રે જ્યારે હું ઘરે જાઉં ત્યારે આંખમાં આંશુ ભરીને મારા પરિવારજનો મારું સ્વાગત કરે છે કે આજે મારા પપ્પા ઘરે આવી ગયા છે કાલની ખબર નથી. તો જો આપ આ પ્રકારના સમાચાર પ્રકાશિત કરતા હોવ તો તમે તમારા કોરોના વોરિયર્સ અને તેમના પરિવારનું મોરલ તોડી રહ્યા છો.
પરિવારથી વિખુટા થઈને ફરજ બજાવતા કોરોના વોરિયર્સ
કોરોના વોર્ડ ખાતે નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા સંગીતાબેન ડેવિડસને જણાવ્યું હતું કે હું પીડિયું નર્સિંગ કોલેજ ખાતે લેક્ચરર વર્ગ ૨ તરીકે ફરજ બજાવું છું પણ મહામારીને ધ્યાને રાખીને મારી નિમણુંક મારી કેડર મુજબ કોવિડ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારથી મારી નિમણુંક અહીં કરવામાં આવી છે ત્યારથી મેં ગજના૪ બધા વિભાગોમાં ફરજ બજાવી છે અને તમામ વિભાગના કર્મચારીઓ એટલે કે ઉપરથી માંડી નીચે સિક્યુરીટી ગાર્ડ સુધીનો કર્મચારીવર્ગ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે જે જોઈને ખૂબ જ ખુશીની લાગણી ઉદભવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દિન પ્રતિદિન અમે દર્દીઓ અને તેમના પરિજનો માટેની સવલતોમાં વધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીં દર્દીને સવારે હળદરવાળા દૂધ અથવા ચા થી શરૂઆત કરવામાં આવે છે જે રાત્રે હળદરવાળા દૂધ તેમજ ઉકાળા સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈ પરિજનને એવું લાગે કે તેઓ ઘરનું બનાવેલું ભોજન તેમના દર્દીને આપવા ઈચ્છે તો અહીં કલેક્શન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જસના માધ્યમથી તેઓ ભોજન પહોંચાડી શકે છે. મેં હેલ્પ ડેસ્ક વિભાગમાં પણ ફરજ બજાવી છે જ્યાં આગળ મોબાઈલ ફોનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરેક ફ્લોર પર મોબાઈલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી દર્દી અને તેમના પરિજનો એકબીજાને વર્ચ્યુલી જોઈને વાતચીત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ પરિજન એવું કહે કે અમારા પરિજન અમને કહે કે બહેન અમારા પરિજનને ખૂબ સારું અને નિયમિત ભોજન મળી રહે છે ત્યારે ખૂબ ખુશીની અનુભુતી થતી હોય છે. તેમજ જ્યારે કોઈ દર્દીને રજા આપવામાં આવે ત્યારે પણ હર્ષની લાગણી અનુભવતા હોઈએ છીએ. તેમણે અંતે ત્યાગ વિશે જણાવતાં કહ્યું હતું કે વોરિયર્સ તેને જ કહેવાય કે જે કોઈ પણ ભોગે લડવા તૈયાર હોય અને જીતવા તૈયાર હોય ત્યારે હું છેલ્લા ૪ મહિનાથી અહીં ફરજ બજાવી રહી છું અને મારા પતિ તેમજ બાળકો બધા આણંદ રહે છે જેના કારણે તેમને ગત ૪ મહિનાથી મળી શકી નથી પરંતુ તે વાતનો મને કોઈ અફસોસ નથી.