બ્લડ બેન્કમાં થેલેસેમીયાના દર્દીઓ માટેના રક્ત સંબંધી તમામ રિપોર્ટસની નિયમિત સમયાંતરે કરાતી નિ:શુલ્ક ચકાસણી
થેલેસેમિયા મેજર જેવા ગંભીર રોગના દર્દીઓને નિયમિત લોહી ચડાવવું જરૂરી હોય છે. રાજકોટની પી.ડી.યુ. (સિવિલ) હોસ્પિટલ ખાતે હાલ 692 થેલેસેમિયા દર્દીઓની સારવાર તેમજ લોહી ચડાવવાની કામગીરી નિ:શુલ્ક કરવામાં આવે છે. સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં 12 વર્ષના સુધીના 252 બાળકોને દર મહિને તેમજ મેડિસિન વિભાગ ખાતે 12 વર્ષથી વધુ ઉંમરના 440 જેટલા થેલેસેમિયાના દર્દીઓને દર મહિને લોહીના જરૂરી રીપોર્ટ સાથે રક્ત આપવામાં આવતું હોવાનું સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતાં ડો. ત્રિવેદીએ જણાવ્યું છે કે, દર ત્રણ માસે થેલેસેમીયા મેજરના દર્દીઓના ફેરીટન રીપોર્ટ (આયર્નની માત્રા) ચકાસવામાં આવે છે. અને દર છ મહિને એચ.આઈ.વી. એલ.એફ.ટી. આર.એફ.ટી સહીતેના રીપોર્ટ કરવામાં આવે છે. દર્દીની સારવારમાં લોહી ચડાવવા માટે નસ પકડવી એ મુખ્ય અને અગત્યનું કામ છે, જે અનુભવી નર્સ દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત, થેલેસેમિયા દર્દીઓને ઉંચાઈ – વજન, કાન, હૃદય, પેટ વગેરેનું સમયાંતરે પરીક્ષણ કરી તજજ્ઞ તબીબો દ્વારા જરૂરી સારવાર તદ્દન નિ:શુલ્ક દરે આપવામાં આવે છે. અને થેલેસેમિયા દર્દીઓને ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ કાઢી આપવામાં આવે છે. દર્દીઓને સિવિલની બ્લડ બેન્ક દ્વારા આપવામાં આવતા રકત માટે દરેક દર્દીઓનો ડેટાબેઝ જાળવવામાં આવે છે. અને રૂટિન મુજબ તેઓને સોફ્ટવેરની મદદથી જાણકારી પુરી પાડયા બાદ નિયત સમયે દર્દીને રક્ત ચડાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં 80 હજારથી વધુ બોટલ રક્ત એકત્રીત
રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક માત્ર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને જ નહીં પરંતુ ઇમર્જન્સી, ગાયનેક, પીડિયાટ્રિક, સુપર સ્પેશિયાલિટી, સ્કિન, યુરોલોજી સહિતના 12 જુદા જુદા વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડે છે. આ ઉપરાંત બી.એસ.યુ.(બ્લડ સ્ટોરેજ યુનિટ) સેન્ટર જેવા કે, કુવાડવા, જેતપુર, ગોંડલ, ઉપલેટા વગેરે ખાતે પણ રાજકોટ સિવિલ બ્લડ બેંક દ્વારા રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું ઇન્ચાર્જ ડો.દલસાણીયા જણાવે છે.
બ્લડ બેન્ક દ્વારા વર્ષ 2020 માં 27,364 વર્ષ 2021 માં 24,411 તેમજ ચાલુ વર્ષ 2022 માં 28,582 બોટલ મળી છેલ્લા ત્રણ વર્ષ માં 80,358 બોટલ રક્ત પૂરું પાડવામાં આવ્યું છે. જયારે વર્ષ 2018થી હાલ સુધીમાં થેલેસેમિયા દર્દીઓને નિ:શુલ્ક 36,342 બોટલ રક્ત પૂરું પાડી દર્દીઓને સતત નવજીવન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
નિયમિત સેવાથી વાલીઓ ખુશ
જન્મથી મેજર થેલેસિયાના દર્દી સાગરને અહીં નિયમિત રક્ત ચડાવવામાં આવે છે. પહેલા પ્રતિ માસ લોહી ચડાવવામાં આવતું હતું જે હવે મહિને ત્રણ વખત આપવામાં આવે છે. તેમના પિતા ધનસુરભાઈ છાસિયા અહીંની સેવા – સારવારથી ખુશ છે તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અહીં મારા દીકરાને નિયમિત લોહી આપતા પૂર્વે જાણ કરવામાં આવે છે, તેમજ તપાસ પણ કરવામાં આવે છે. અહીંની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ.