મકરસંક્રાંતિની ટનાટન ઉજવણી કરવા છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મકરસંક્રાંતીના દિવસે રાજકોટ શહેર થોડા સમય માટે ‘ધાબાનગર’માં ફેરવાયું હોવાનું પ્રતિત થયું હતુ ડીજેના તાલ સાથે નગરજનોએ પતંગ ચડાવવાની મોજ માણી હતી. વહેલી સવારથી વાતાવરણમાં ગિતો ગુંજી રહ્યા હતા વિવિધ પ્રકારનાં પતંગોની સાથે સાથે કાર્ટુન માસ્ક અને પોશાકે પણ જમાવટ કરી હતી. બપોરે મોટાભાગના પરિવારોએ ઉંધીયું આરોગ્યું હતુ કયાંક, કયાંક ધાબા ઉપર પણ ભોજન સમારંભ યોજાયા હતા. રંગીલા રાજકોટવાસીઓએ અગાશી ઉપર જ મમરાના લાડુ, ચીકી, શેરડી, બોર તેમજ જીંજરા આરોગીને જલ્સા કર્યા હતા. મોડી સાંજે આતશબાજીના નજારા પણ જોવા મળ્યા હતા.