- પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન તથ્યહીન : પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ
Rajkot News
ત્રણ દિવસ પૂર્વે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા પત્રકાર પરીષદના માધ્યમથી રાજકોટ પોલીસ વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ શહેર પોલીસ દ્વારા આ તમામ આક્ષેપોના જવાબ સાથે વર્ષ 2022-23 દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીનો લેખાજોખા રજૂ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકાર પરીષદનું સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પોલીસની કાર્યક્ષમતા અને શૈલી પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે ગત આખા વર્ષ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રશ્ન નથી થયો. શહેરમાં તમામ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાયા છે. ઉપરાંત વડાપ્રધાનનો કાર્યક્રમ પણ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. તેમણે કહ્યું હતું કે, ગત બે વર્ષ દરમિયાન બનેલી કોઈ પણ ચકચારી ઘટના વણઉકેલાયેલો રહ્યો નથી. પોલીસની ગત વર્ષની કામગીરી ખુબ સારી રહી છે. તેમણે કહ્યું હતું કે, ગત બે વર્ષની કામગીરી અમે આંકડા સાથે રજૂ કરી રહ્યા છીએ.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, વર્ષ 2022 જયારે ઈ-એફઆઈઆર પદ્ધતિ શરૂ કરવામાં આવી ત્યારે આ પદ્ધતિ હેઠળ મોબાઈલ ચોરી સહીતની ફરિયાદો ઘરે બેઠા કરી શકાય છે. આ પદ્ધતિ હેઠળ ઓનલાઇનઆવેલી કુલ અરજ પૈકી 86%ને ફરિયાદના સ્વરૂપમાં રૂપાંતરીત કરવામાં આવી છે જે રાજ્યમાં સૌથી મોખરે છે.
રાજુ ભાર્ગવે પોલીસ કમિશ્નર કચેરીના મુલાકાતીઓ અંગેની વિગત આપતાં કહ્યું હતું કે, વર્ષ 2023 દરમિયાન કુલ 1418 જેટલાં મુલાકાતીઓને તેઓ પોતે જ મળ્યા છે. જયારે કુલ 3110 જેટલાં મુલાકાતીઓને અધિકારીઓ રૂબરૂ મળ્યા છે.
વર્ષ 2022 ની સરખામણીમાં 2023માં 85 હજાર વધુ કેસ કરીને રૂ. 2.89 કરોડનો વધારાનો દંડ ફટકારાયો
ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે બે વર્ષની કામગીરી અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2022 દરમિયાન પોલીસ દ્વારા કુલ 1 લાખ 17 હજાર 800 જેટલાં કેસ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ 48 જેટલાં જાગૃતતાના સેમિનાર અને કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેની સામે વર્ષ 2023માં ટ્રાફિક પોલીસ દ્વારા 2 લાખ 3 હજાર 116 જેટલાં કેસો કરવામાં આવ્યા છે. જે વર્ષ 2022 કરતા 85 હજારથી વધુ કેસો થયાનું દર્શાવે છે. આ વધારાના કેસ કરીને વર્ષ 2023માં 2.89 કરોડ વધુ દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ 73 જેટલાં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઉપરાંત આરએમસી, આર એન્ડ બી, હાઇવે ઓથોરિટી લને સાથે રાખીને રોડ એન્જીનીયરીંગ સહીતની કામગીરી કરવામાં આવી છે. વર્ષ 2022માં કુલ 3435 વાહનો ડિટેઇન કરીને રૂ. 67.64 લાખનો દંડ જયારે વર્ષ 2023માં 3923 વાહનો ડિટેઇન કરીને રૂ. 63.89 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરાયેલા આક્ષેપો બાબતે ડીસીપી ઝોન-2નો ખુલાસો
ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવેલા અલગ અલગ 4 આક્ષેપો અંગે ખુલાસા કર્યા હતા. જેમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નોંધાયેલી અપહરણની ઘટના બાબતે તેમણે કહ્યું હતું કે, તા. 30-12-2023ના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાનું સામે આવ્યું હતું. આ ઘટનાની તપાસમાં અનેક સગા સંબંધીઓની પૂછપરછ કરીને અપહરણકર્તાની ઓળખ કરી લેવામાં આવી છે અને હજુ તપાસ ચાલુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અપહરણના 95% કિસ્સામાંઓમાં અપહ્યતને મુક્ત કરાવી પરીવાર સાથે મિલન કરાવી દેવામાં આવે છે. બીજા આક્ષેપ અંગે તેમણે જણાવ્યું હતું કે, તા.
23-10-23ના રોજ બે યુવતી મોપેડ પર જઈ રહી હતી ત્યારે ટ્રેકટર ટ્રોલીના અડફેટે એક યુવતીનું મોત નીપજ્યું હતું. જેમાં નજરે જોનાર સાહેદની હકીકત મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાહેદએ ટ્રેલર પર લખેલા નંબર આપ્યા હતા. ટ્રેકટરના નંબર આપવામાં આવ્યા ન હતા. જે ટ્રેકટરના ચાલક દ્વારા કૃત્ય કરાયું તેના વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને ટ્રેલર પર જે મોબાઈલ નંબર હતો તે આરોપીનો જ હોય તેવું સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ત્રીજા આક્ષેપ વિશે તેમણે જણાવ્યું હતું કે, આઈઓસીમાં એક નિવૃત કર્મચારીએ 70 લાખની છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો. જે મામલામાં તપાસ કરતા અરજદારે કથિત આરોપી સાથે રહેણાક મકાનનો રૂ. 1.28 કરોડમાં સોદો કર્યો હતો. જે પૈકી અરજદારે રૂ. 70 લાખ આપીને મિલ્કતનો કબ્જો મેળવ્યો હતો. આ મિલ્કત નવી શરત હેઠળની હોય તેના દસ્તાવેજની મંજૂરી હજુ પેન્ડિંગ હોવાથી દસ્તાવેજ થઇ શક્યો નથી જેથી આ મામલામાં ફોજદારી ફરિયાદ દાખલ કરી શકાય નહિ. હાલ આ મામલો દીવાની કોર્ટમાં પેન્ડિંગ છે. ચોથા આક્ષેપમાં તેમણે જણાવ્યું હતું કે, જે બુટલેગર દ્વારા દબાણ કરીને દારૂ વેચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે બાબુ મકવાણા નામનો ઈસમ લિસ્ટેડ બુટલેગર છે અને ટ્વિના વિરુદ્ધ 41 ગુન્હા દાખલ કરવામાં આવેલા છજે. હાલ આ ઈસમ ત્યાં રહેતો નથી અને કોઈ જ દબાણ પણ અસ્તિત્વમાં નથી.
વર્ષ 2023માં થયેલા 149 અપહરણના ગુન્હામાં 122 અપહ્યતને મુક્ત કરાવી પરીવાર સાથે ભેંટો કરાવતી પોલીસ
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વર્ષ 2022માં 107 જેટલાં અપહરણના બનાવો બન્યા હતા. જે બનાવો પૈકી 95 છોકરી અને 10 છોકરા સહીત 104 બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. જયારે વર્ષ 2023માં કુલ 149 જેટલાં અપહરણના બનાવો બન્યા હતા. જે પૈકી 100 છોકરી અને 22 છોકરા સહીત કુલ 122 અપહ્યતને મુક્ત કરાવી પરીવાર સાથે ભેંટો કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં પરપ્રાંતિયો અપહરણ કરીને યુપી, બિહાર, બંગાળ સહિતના રાજ્યોમાં ભાગી જતાં હોય છે અને મોબાઈલ નંબર પણ સ્વીચ ઑફ કરી દેતાં હોય છે જેના લીધે તેમને શોધવા મુશ્કેલ હોય છે.
વર્ષ 2023માં 2320 બુટલેગરોના અટકાયતી પગલાં લેવાયા જયારે 56 ડ્રગ્સ પેડલરો ઈ ધરપકડ કરાઈ
ડીસીપી ક્રાઇમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો આપતાં કહ્યું હતું કે, વર્ષ 2022માં પોલીસ દ્વારા દેશી દારૂની 2296 રેઇડ કરીને 3031 આરોપીઓને પકડી 41,900 લિટર દારૂનો જથ્થો ઝડપી 3125ના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા જયારે 61ને તડીપાર કરવામાં આવ્યા હતા. જેની સામે વર્ષ 2023માં 3022 રેઇડ કરીને 3046ને ઝડપી 66378 લિટર જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જે પૈકી 2142ના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. જયારે 46ને તડીપાર કરવામાં આવ્યા હતા અને 1 બુટલેગરને પાસા તળે ધકેલવામાં આવ્યો હતો. વિદેશી દારૂની રેઇડ બાબતે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં વિદેશી દારૂના 783 કેસ કરીને 984 આરોપીઓને પકડી 88659 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જે પૈકી 197 બુટલેગરોના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા જયારે 2ને તડીપાર અને 18ને પાસા તળે ધકેલવામાં આવ્યા હતા. જેની સામે વર્ષ 2023માં 728 કેસ કરીને 936 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને 1,30,596 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જે પૈકી 178 બુટલેગરો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા જયારે 2ને તડીપાર અને 7ને પાસા તળે ધકેલવામાં આવ્યા હતા.
ગત વર્ષે 56 ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી રૂ. 59.28 લાખનો નશીલો પદાર્થ ઝડપી લેવાયો
ડીસીપી ક્રાઇમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં એનડીપીએસ એક્ટ હેઠળ 26 કેસો કરીને ગાંજો, હેરોઇન, મેફેડ્રોન સહિતનો કુલ રૂ. 39,26,191નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે વર્ષ 2023માં 28 કેસો કરીને ગાંજો, મેફેડ્રોન, બ્રાઉન સુગર મેથાએમફેટામાઇન સહિતનો કુલ રૂ. 59,28,480ની કિંમતનો નશીલો પદાર્થ કબ્જે કરી 56 પેડલરોની ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ 2023માં થયેલા 149 અપહરણના ગુન્હામાં 122 અપહ્યતને મુક્ત કરાવી પરીવાર સાથે ભેંટો કરાવતી પોલીસ
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વર્ષ 2022માં 107 જેટલાં અપહરણના બનાવો બન્યા હતા. જે બનાવો પૈકી 95 છોકરી અને 10 છોકરા સહીત 104 બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. જયારે વર્ષ 2023માં કુલ 149 જેટલાં અપહરણના બનાવો બન્યા હતા. જે પૈકી 100 છોકરી અને 22 છોકરા સહીત કુલ 122 અપહ્યતને મુક્ત કરાવી પરીવાર સાથે ભેંટો કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, મોટાભાગના કિસ્સાઓમાં પરપ્રાંતિયો અપહરણ કરીને યુપી, બિહાર, બંગાળ સહિતના રાજ્યોમાં ભાગી જતાં હોય છે અને મોબાઈલ નંબર પણ સ્વીચ ઑફ કરી દેતાં હોય છે જેના લીધે તેમને શોધવા મુશ્કેલ હોય છે.