- મોટા બહેનની સારવાર માટે આપેલા રૂ. 40 હજારને બદલે રામ રજપૂતે ઓટો લખાવી લીધી : દરરોજ રીક્ષા ચલાવવા પેટે રૂ. 300 તેમજ 15% લેખે વ્યાજ વસુલ્યું
રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ પગલાંરૂપી ધોકો ઉગામ્યો છે. શહેર પોલીસે ફક્ત 24 કલાકમાં ત્રણ વ્યાજખોરીની ફરિયાદ દાખલ કરી 6 જેટલાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. વ્યાજખોરો કમ્મરતોડ વ્યાજ વસુલીને પણ ભોગ બનનારને બખ્સતા ન હોય તેવા ચાર જેવા બનાવ સામે આવ્યા છે. બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદમાં વ્યાજખોરે 40 હજાર રૂપિયાના બદલે રીક્ષા પડાવી લઇ તે જ રીક્ષા ચલાવવા દરરોજ 300 રૂપિયા આપવા પડશે તેમજ માસિક 15% વ્યાજ પણ ચૂકવવું પડશે તેવું દબાણ કરી ત્રાસ આપ્યાની રાવ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય બાબત છે કે, થોડા સમય પૂર્વે જ વ્યાજંકવાદ વિરુદ્ધ શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો.
બી ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ડ્રાયવર ગોપાલ હિંમતભાઈ વાધવા નામના 31 વર્ષીય યુવાને નોંધાવેલી ફરિયાદ અનુસાર પોતે ભગવતીપરા સ્થિત નવીન ટાવરમાં રહે છે. તેમના મોટા બહેનને લોહી ઉડી જવાની બીમારી હોય તેના માટે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર સોસાયટીમાં રહેતા રામભાઈ રજપૂત નામના વ્યાજખોર પાસે સારવાર માટે 25 હજાર લીધા હતા. જે પેટે પોતાની માલિકીનું ટુ વ્હીલર ગીરવે મૂક્યું હતું. જે રૂપિયા 15 દિવસમાં વ્યાજ સાથે 28500 ચૂકવી દઈ ટુ વ્હીલર છોડાવી લીધું હતું. જે બાદ ફરીવાર બહેનની સારવાર માટે વ્યાજખોર પાસેથી રૂ. 40 હજાર લીધા હતા. જેનું ડર મહિને 6000 એટલે કે 15% વ્યાજ નક્કી કર્યું હતું. તેમજ પોતાની માલિકીની ઓટો રીક્ષા તેમજ આરસી બુક ગીરવે મૂકી હતી. વ્યાજખોરે ઓટો રીક્ષાના કાગળો મેળવી વેચાણ કરાર પણ કરાવી લીધો હતો અને તે જ રીક્ષા ફરિયાદીને ભાડેથી ચલાવવા આપી હતી અને દરરોજ 300 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. પ્રથમ વ્યાજ કાપીને વ્યાજખોરે 34 હજાર જ હાથમા આપ્યા હતા. ભોગ બનનારે માસિક વ્યાજ પેટે 6 હજાર અને દરરોજનું રીક્ષાનું ભાડુ ચૂકવી દેતા હોય તેમ છતાં વધુ પૈસાની માંગણી સાથે વ્યાજખોર ફરિયાદીના ઘરે ધસી જઈ શાંતિથી જીવવા નહિ દઉં તેવી ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી. મામલામાં બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વ્યાજખોરની શોધખોળ હાથ ધરી છે. અન્ય બનાવમાં ભક્તિનગર પોલીસ મથકમાં 36 વર્ષીય યુવાન દીપેશ જગદીશભાઈ બારભાયાએ નોંધાવેલી ફરિયાદના વ્યાજખોર તરીકે આહીર ચોકના જતીન મેઘાણી અને તેના મિત્રનું નામ આપ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું છે કે, લોકડાઉનના સમયગાળામાં નોકરી ધંધા બંધ હોવાથી ખરખર્ચ અને દીકરાની સ્કૂલ ફી ભરવાડ માટે વ્યાજખોરો પાસેથી પોતાની માતાના રૂ. 1.55 લાખના સોનાના દાગીના ગીરવે મૂકી 7% વ્યાજે 90 હજાર રૂપિયા લીધા હતા. જેની સામે ભોગ બનનારે વ્યાજ સહીત રૂમ 2,26,800 ચૂકવી દીધા છતાં વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી માર માર્યાની ફરિયાદ યુવાને નોંધાવી છે.
મેટોડાના યુવાનને રૂ. 5 લાખ રૂપિયા કમ્મરતોડ 10% વ્યાજે આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરાતા આપઘાતનો પ્રયાસ
મેટોડામાં રહેતા અજયદેવજીભાઈ ચાવડા નામના 25 વર્ષીય યુવાને મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર બે પાસે ઉંદર મારવાની દવા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને હોસ્પિટલના બિછાનેથી આપેલી વિગત અનુસાર પોતે ધારીનો વતની હોય અને લગ્ન સમયે અલગ અલગ ત્રણ શખ્સો પાસેથી અંદાજિત રૂપિયા 5 લાખ 10% વ્યાજે લીધા હતા. થોડો સમય સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પોતે વ્યાજ ચૂકવવા સક્ષમ ન હોય પોતે ધારીથી મેટોડા રહેવા આવી ગયો હતો. તેમ છતાં વ્યાજખોરો સતત ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતાં હોય તેણે અંતે કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અલ્પેશ દોંગાએ 10ના 20 લાખ, ધમભા ગોહિલે 28ના 35 લાખ અને ગંભીરસિંહ રેવરે 13ના 15 લાખની માંગણી કરી બે એકર જમીન પડાવી લીધી
શહેરના આજીડેમ પોલીસ મથકમાં દર્પણ હંસરાજભાઈ પાનસુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં અલ્પેશ દોંગા, ધમભા ગોહિલ અને ગંભીસિંહ રેવર નામના ત્રણ વ્યાજ ખોરના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, અલ્પેશ દોંગાએ 10 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે આપી રૂ. 20 લાખની માંગણી કરી હતી. જયારે ધમભા ગોહિલ 28 લાખના ત્રણ ટકાના વ્યાજે આપી 35 લાખ અને ગંભીરસિંહ રેવરે 13 લાખ રૂપિયાના 15 લાખની માંગણી શરૂ કરી હતી. ફરિયાદી વ્યાજ ચૂકવતા હોય તેમ છતાં સતત પૈસાની ઉઘરાણી કરીને ફરિયાદીના પિતાના નામની બે એકર જમીન વ્યાજખોરોએ પડાવી લીધી હતી.