કમલેશભાઈના નેતૃત્વમાં ભાજપનું સંગઠન મજબુત : શહેર પ્રમુખની પીઠ થાબડતા પ્રદેશ પ્રમુખ
અબતક, રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી. સાથે ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. પાટીલે સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે સ્નેહ મિલન યોજયું હતું. જેમાં તેઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે કહ્યું કે તેઓ ભાજપના સ્ટાર પ્રચારક છે અને રહેશે. ઉપરાંત તેઓએ રાજકોટનું સંગઠન મજબૂત હોવાનું કહી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની પીઠ થાબડી હતી.
સી.આર.પાટીલે સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે સ્નેહ મિલન યોજયું હતું. જેમાં તેઓએ કહ્યું કે દરેકને નવા વર્ષની શુભેચ્છા.દર વર્ષે કાર્યકરો મળતા હોય છે. નવા વર્ષે મહાનગરોમાં સ્નેહમિલનના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જેના થકી સંગઠન ને વધુ મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવે છે. ચૂંટણી જીતવા માટેના તમામ પડકારો નો સામનો કરી પાર્ટી ને જીતાડવા કાર્યકરો ને કામે લાગડવામાં આવી રહ્યા છે.
તેઓએ ઉમેર્યું કે ખેડૂતોની આવક વધી છે.હજુ વધશે. ખેડૂતોની આવક વધારવા માટે પીએમ મોદીની આગેવાનીમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ રાજકોટ ભાજપના સંગઠન વિશે કહ્યું કે
મારા કાર્યક્રમમાં પણ મારી અંગે સૂચના હતી કે વધુ મોટો કાર્યક્રમ ન કરવો. રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. કમલેશ મિરાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે. કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તા સમક્ષ છે. ચૂંટણી જીતવા માટે તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જીતાડવા કાર્યકરોને કામે લગાડવામાં આવશે. તેઓએ રાજકોટનું સંગઠન મજબૂત હોવાનું જણાવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની પીઠ થાબડી હતી.
તેઓએ પાટીદાર આંદોલન વીશે કહ્યું કે પાટીદાર આંદોલનના ઘણા બધા કેસો પાછા ખેંચી લીધા છે. બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે તેઓ ટૂંકમાં બોલ્યા કે વિજયભાઈ રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક છે અને રહેશે જ. અંતમાં તેઓએ માસ્ક અને દંડ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાનું કહ્યું હતું.
અમરીશ ડેરને મે આમંત્રણ આપ્યું નથી, વાતને ટ્વીસ્ટ કરાઈ હતી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે અમરિશ ડેરને આમંત્રણ આપ્યું નથી.અમરીશ ડેર ભાજપના કાર્યકર્તા હતા તેને લઈને મેં વાત કરી હતી. અમરીશ ડેરને લઈને મેં કરેલી આ વાતનું વતેસર કાઢવામાં આવ્યું છે. લોકોએ આ વાતને ટ્વીસ્ટ કરી છે. ભાજપ પક્ષના કાર્યકર્તાઓ સક્ષમ છે. માટે કોંગ્રેસને લેવા તૈયાર નથી.
નોન-વેજ ઉપર પ્રતિબંધ નથી, લોકોને ખાવાની અને વેચવાની સ્વતંત્રતા
ઘણા સમયથી ગુજરાતના નોનવેજના વેચાણનો પ્રશ્ન સળગી રહ્યો છે. મહાનગરોમાં નોનવેજની લારીઓ હટાવવામાં આવી રહી છે. ત્યારે સી.આર.પાટીલે કહ્યું કે આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી પણ શકે છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં નો રિપીટની થિયરી અપનાવાશે: સી.આર.પાટીલ
રાજકોટની મુલાકતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ ચૂંટણીમાં નો રિપીટ થિયરી સફળ રહી છે. ત્યારે આગામી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ નો રિપીટ થીયરી અપનાવાશે.વધુમાં જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. આ નિવેદનને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ પણ હાલ ગરમાયુ છે.