પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની નવતર પહેલ: દરેક જિલ્લા-મહાનગરના કાર્યકરોની ગાંધીનગરમાં બેઠક: પક્ષના વરિષ્ઠ આગેવાનોએ આપ્યું માર્ગદર્શન
ભાજપના તમામ કાર્યકરો પક્ષના હેડ કવાર્ટરને જોઇ શકે ત્યાં બેઠકમાં સામેલ થઇ શકે તે માટે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નવતર પહેલ શરુ કરવામાં આવી છે. રાજયના દરેક જિલ્લા અને મહાનગરની કારોબારી બેઠક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવે છે. આજે રાજકોટ શહેર ભાજપનો વારો છે. શહેર ભાજપના 325 થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પક્ષના આગેવાનો દ્વારા કાર્યકરોને સંગઠન લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહીતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા એક નવીનત્તમ પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં દરેક જિલ્લા અને મહાનગરોના આગેવાનો – કાર્યકરો અને કારોબારી સભ્યોની બેઠક ગાંધીનગર સ્થિત ‘કમલમ’ ખાતે યોજવામાં આવે છે. આજે રાજકોટ શહેર ભાજપની બેઠક સવારે 1 કલાકે ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં શહેર ભાજપના સંગઠનના તમામ હોદેદારો, કારોબારી સભ્યો, કાયમી આમંત્રીત સભ્યો, આમંત્રીત સભ્યો, અલગ અલગ મોરચાના હોદેદારો તમામ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશના હોદેદારો, તમામ કોર્પોરેટરો સહીત અપેક્ષીત હોય તેવા 400 થી વધુ આગેવાનો અને કાર્યકરો પૈકી 325 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા.
તમામ કાર્યકરોને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા સંગઠાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પક્ષના આ નવતર પ્રયોગથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે આ પ્રકારની બેઠકોની વોર્ડ કક્ષાના કાર્યકરને પણ પ્રદેશ કક્ષાએથી કેવી રીતે સંગઠાત્મક કામગીર કરવામાં આવે છે તેનો અનુભવ મળી રહે રાજકોટ શહેર ભાજપના આગેવાનો અને અપેક્ષીત કાર્યકરો આ બેઠકમાં હોંશભેર જોડાયા હતા. બેઠક પુર્ણ થયા બાદ તમામ કાર્યકરોએ કમલમ ખાતે જ બપોરનું ભોજન લીધુ હતં.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ગઇકાલે રાજકોટ શહેરની ઉડતી મુલાકાતે આવ્યા હતા પરંતુ તેઓએ શહેર ભાજપના એકપણ આગેવાન સાથે બેઠક ફોજી ન હતી.
માત્ર બાધેશ્ર્વર ધામના કાર્યાલયની મુલાકાત લીધી હતી. આજે ગાંધીનગર ખાતેની બેઠક દરમિયાન શહેર ભાજપના કાર્યકરોને કેટલીક ટકોર કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.