મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગરને ૬૮.૮૮ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તથી આપી
કોરાના મહામારીના કપરા સમયે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત, આધુનિક અને આત્મનિર્ભર ભારત, સમૃધ્ધ ભારતના સંકલ્પને પરીપૂર્ણ કરવા ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહી અવિરત વિકાસ કુચ પર આગળવધી રહ્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હીંગળાજનગર પીપીપી આવાસ યોજના સહિત રૂા. ૬૮.૮૮ કરોડના રાજકોટ મહાનગરપાલિકાના પાંચ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરતા જણાવ્યુહતું
મુખ્યમંત્ર વિજયભાઇ રૂપાણીએ વિશ્વના ફાસ્ટ ગ્રોઇંગ શહેરોની કેટેગરીમાં રાજકોટ જે નામના મેળવી રહ્યું છે તેને અનુરૂપ વિકાસ આ મહાનગર કરે છે તે માટે અભિનંદન આપતાં વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક લોકોને આધુનિક સુવિધા સાથે પોતીકું ઘર મળી રહે તે માટે રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે, ત્યારે હીંગળાજ નગર ખાતે નવનિર્મીત આવાસ યોજનાના ૧૪૫ લાભાર્થિઓને આધુનિક સુવિધાજનક આવાસ મેળવવા બદલ શુભેચ્છા પાઠવતા તેઓ જીવનમાં આર્થિક અને સમાજિક ઉન્નતિ પ્રાપ્ત કરે તેવા શુભાષિશ આપ્યા હતા.
ગુજરાત પાણીના ટીપેટીપાંનું સુનિયોજિત સંચાલન કરી સરપ્લસ બનવા જઇ રહ્યું છે ત્યારે રાજકોટ મવડી વિસ્તારમાં ૫૦ એમ.એલ.ડી ક્ષમતાનો સ્કાડા ટેકનોલોજી આધારીત આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હેડવર્કસ સાથે રૂા. ૪૨.૨૫ કરોડના ખર્ચે બનાવવાથી પાણીનું શુધ્ધિકરણ કરી તેનું સુયોગ્ય વિતરણ સાથે લોકોની શુધ્ધ પાણીની જરૂરિયાત સુપેરે પુરી પડાશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી રૂપાણીએ જતાવ્યો હતો.
રાજકોટ શહેરની પ્રજાને ઘર આંગણે જ જીવ અને શીવને જોડતી પ્રકૃતિ તથા જંગલ સફારી જેવી અનુભૂતિ મળી રહે તે માટે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ એ જણાવ્યું હતું કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના બેલેન્સ માટે મોટા પાયે વૃક્ષારોપણ ખુબજ જરૂરી છે ત્યારે ગુજરાતને હરીયાળું બનાવવા રાજય સરકારે ૧૯થી વધુ સમાજિક અને સાંસ્કૃતિ વનો તૈયાર કરવામાં આવ્યા છે. દૂધસાગર રોડ પર રૂા.૩.૨૫ કરોડના ખર્ચે ઉભા પૂલ નિર્માણથી કોઇપણ ઋતુમાં પરિવહન સરળ બનશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત ખુબજ ઝડપથી વિકસીત થઈ રહ્યું છે ત્યારે પરિવહનની સાનુકૂળતા માટે રાજય સરકારે અનેક બેઠા પુલોને ઉભા કર્યા છે અને ઉભા પુલને પહોળા કરવાનું કાર્ય સતત કરી રહયું છે.
કોરોના સામે સમગ્ર દેશ ઝઝુમી રહયો છે. ત્યારે રાજકોટ શહેરમાં સંક્રમણનો અટકાવ થાય તથા સંક્રમીત લોકોને ત્વરીત સુયોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્ર સતત કાર્યરત છે તેમ જણાવતા ગુજરાત કોરોના મહામારીને મ્હાત આપી જીતશે તેમજ વર્તમાન આફતની પરિસ્થીતીને પણ અવસરમાં પલ્ટાવી વિકાસમાં સતત આગેકુચ કરી દેશમાં અગ્રેસર રહેશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આ તકે રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ પ્રાસંગીક પ્રવચન કર્યુહતું. જયારે કાર્યક્રમના પ્રારંભે મયિુ્નસીપલ કમિશ્નર ઉદીત અગ્રવાલે સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. પાંચેય વિકાસ કામોના સ્થળે ઉપસ્થિત મહાનભાવોના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ સંપન્ન કરાઇ હતી.
આ પંચામૃત ઈ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા અભયભાઇ ભારદ્વાજ, પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સહિત વિવિધ સમિતિના ચેરમેનો, સભ્યો, કોર્પેરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.