દુનિયાનાં કોઈપણ છેડેથી આ પોર્ટલ પરથી આસાનીથી મળી રહેશે
રાજયમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાયલોટ પ્રોજેકટ તરીકે કેન્દ્ર સરકારનાં ઓપન ડેટા પોલીસી અંતર્ગત રાજકોટ સિટી ડેટા પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેનું લોન્ચીંગ આગામી ૨૦મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. આ પોર્ટલ પરથી દુનિયાનાં કોઈ૫ણ છેડેથી લોકોને રાજકોટનાં પર્યાવરણ અંગેની માહિતી, પ્રોપર્ટી અંગેની માહિતી, જન્મ-મરણનાં દાખલા સહિતની માહિતી આસાનીથી મળી રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા ઓપન ડેટા પોલિસી તૈયાર કરવામાં આવી છે જેમાં દેશનાં તમામ શહેરોએ પોતાનાં ડેટાનાં પોર્ટલ બનાવવાનું રહે છે. હાલ રાજયમાં એકમાત્ર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ આ પ્રકારનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જે રાજયમાં એક પાયલોટ પ્રોજેકટ બની રહેશે. રાજકોટ સિટી ડેટા પોર્ટલનું લોન્ચીંગ કરવા માટે મહાપાલિકા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે સમય માંગવામાં આવ્યો છે. આગામી ૨૦મી જુલાઈ આસપાસ મુખ્યમંત્રીનાં હસ્તે આ પોર્ટલનું લોન્ચીંગ કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.