ભાજપના કોર્પોરેટરો, શિક્ષણ સમિતીના સભ્યો અને શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજતા મુખ્યમંત્રી

રાજકોટની મુલાકાત દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, શિક્ષણ સમીતીના સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને તેઓને સરકારી શાળાનું શિક્ષણ સ્તર વધુ મજબૂત બનાવવા શિખ આપી હતી. સંગઠનના હોદ્દેદરો સાથેની બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ભાજપનું સંગઠન સમગ્ર ગુજરાતમાં નમુનેદાર અને શિરમોર સમાન છે. પાર્ટીના જૂના મોભીઓ ચીમનભાઈ શુકલ સહિતના જનસંઘના નેતાઓને યાદ કરી તેમના સસ્મરણ વાગોળ્યા હતા.

જૂના જોગીઓએ વાવેલા બીજના કારણે આજે પાર્ટી વટવૃક્ષ બની છે. આ વિચારો અને વિચારધારા ધકાવી રાખવાની જવાબદારી સૌને હોવાનું તેઓએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવો પક્ષ છે જેમાં નીતિ, નિયત અને નેતા સાથે નિષ્ઠાથી કામ કરાવવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરો વાહક બને તેવી અપીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુરને શિલ્ડ અર્પણ કરી મુખ્યમંત્રીનું સ્વાગત ર્ક્યું હતું.

આ તકે ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. સંગઠનના હોદ્દેદારો સાથે મીટીંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ભાજપના કોર્પોરેટરો અને શિક્ષણ સમીતીના સદસ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ કાર્યકર્તાઓને કેટલીક મહત્વપૂર્ણ શિખ આપી હતી. કાર્યકર્તામાંથી જ કોર્પોરેટરોનું નિર્માણ થાય છે તે વાત યાદ રાખવા જણાવ્યું હતું.

સાથે સાથે શહેરમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ વધુને વધુ સરકારી શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરે, શાળા હાઈટેક બને અને બાળકોનું ભવિષ્ય ઉજળુ બને તે અંગે શિક્ષણ સમીતીના સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.