અશ્વિનભાઇ મોલીયા, માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાને મહામંત્રી બનાવાયા: જુની ટીમના ચાર હોદેદારોને રિપીટ કરાયા: ટૂંક સમયમાં કારોબારી, વોર્ડ અને મોરચાના હોદેદારો જાહેર કરાશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા ટીમ રાજકોટ શહેર બીજેપીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં અલગ અલગ 14 જ્ઞાતિઓના અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રર સભ્યોની ટીમમાં તમામ વિધાનસભાના અગ્રણીઓને આવરી લેવામાં આવ્યા છે. આગામી એકાદ સપ્તાહમાં હવે કારોબારી, વિવિધ મોરચા અને વોર્ડ પ્રમુખ-મહામંત્રી સહિતના હોદેદારો જાહેર કરવામાં આવશે.
પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીની ટીમમાં સંગઠનની જવાબદારી નિભાવી રહેલા ચાર હોદેદારો માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મહેશ રાઠોડ અને હરેશભાઇ જોશીનો રીપીટ કરવામાં આવ્યા છે. જેમાં માધવ દવે અને વીરેન્દ્રસિંહને પ્રમોશન આપી મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ત્રીજા મહામંત્રી તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયાની નિયુકિત કરવામાં આવી છે નવી ટીમમાં 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખામાં આઠ ઉપપ્રમુખની નિયુકિત કરવામાં આવી છે. જેમાં ડો. ચેતન લાલચેતા, મહેશ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, પરિમલભાઇ પરડવા, રમેશભાઇ પરમાર, કાશ્મીરાબેન નથવાણી, હિતેશભાઇ ઢોલરિયા અને પુજાબેન પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત આઠ મંત્રી તરીકે વિજયભાઇ પાડલીયા, હરેશભાઇ કાનાણી, વિજયભાઇ ટોળીયા, ભરતભાઇ શિંગાળા, નયનાબેન સોલંકી, ઇલાબેન પડિયા, ભગવતીબેન ધરોડીયા અને શિલ્પાબેન જાવીયાની વરણી કરવામાં આવી છે. કોષાઘ્યક્ષ તરીકે જૈન સમાજના અગ્રણી મયુરભાઇ શાહની નિયુકિત કરાય છે.
જયારે કાર્યાલય મંત્રી તરીકે હરેશભાઇ જોશીને રિપીટ કરવામાં આવ્યા છે.શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, આજે શહેર ભાજપની નવી ટીમના તમામ રર સભ્યો પંચનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા બાદ ફુડ વિતરણ કરી જવાબદારી સંભાળી લેશે ત્રણેય મહામંત્રીઓને ઝોનવાઇઝ જવાબદારી સોંપવામાં આવશે. આગામી દિવસોમાં અલગ અલગ મોરચાના હોદેદારો, શહેર ભાજપની કારોબારી તથા અલગ અલગ તમામ 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીના નામો જાહેર કરવામાં આવશે.
આ 15 જ્ઞાતિઓને સાચવી લેવાય
- વૈષ્ણવ વણિક
- લેઉવા પટેલ
- બ્રાહ્મણ
- ક્ષત્રિય
- લોહાણ
- અનુસુચિત જાતિ
- આહીર
- કોળી
- કડવા પટેલ
- ભરવાડ
- માળી
- બ્રહ્મક્ષત્રિય
- પ્રજાપતિ
- કડિયા
- જૈન
વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવેને પ્રમોશન
સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સારી રીતે નિભાવ્યા બાદ હવે મહામંત્રી બનાવાયા
રાજકોટ શહેર ભાજપની નવી ટીમમાં રર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર ચાર વ્યકિતઓને રિપીટ કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ તરીકેની કામગીરીમાં ખંતપૂર્વક જવાબદારી નિભાવનાર વિરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે ને પ્રમોશન આપવામાં આવ્યું છે. અગાઉની ટીમમાં તેઓ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા હતા નવી ટીમમાં તેઓને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેઓને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
ચારેય વિધાનસભાને અપાયું પ્રતિનિધિત્વ
રાજકોટ શહેર ભાજપની નવી ટીમમાં શહેરમાં સમાવીષ્ટ ચારેય વિધાનસભા બેઠક ના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 68-રાજકોટ વિધાનસભા પૂર્વ બેઠકમાંથી સાત અગ્રણીઓ, 69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાથી 6 અગ્રણીઓ, 70- રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાંથી 7 અગ્રણીઓ અને 71- રાજકોટ વિધાનસભા ગ્રામ્ય બેઠકમાંથી બે આગેવાનોનો સંગઠન માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે.