રાજકોટ નાગરિક સહકારી બેંક લીમીટેડની 21 ડિરેકટરોની ચૂંટણીમાં સહકાર પેનલના 6 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. હવે બાકીની 15 બેઠકો માટે 26 ઉમેદવારો વચ્ચે જંગ જામશે: આગામી રવિવારના રોજ મતદાન યોજાશે.
રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેકટરોની ચૂંટણીમાં સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે મુખ્ય ટકકર છે. સહકાર પેનલે તમામ 21 બેઠકો માટે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેની સામે કલ્પક મણીયારની સંસ્કાર પેનલે 21 બેઠકો પૈકી 15 બેઠકો માટે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા.
બહારગામની પાંચ બેઠકો અને અંસત કેટેગરી માટે સંસ્કાર પેનલ દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા નહતા દરમિયાન ફોર્મ ચકાસણીના દિવસે સંસ્કાર પેનલના ચાર ઉમેદવાર કલ્પકભાઈ મણીયાર, મિહીરભાઈ મણીયાર, હિમાંશુભાઈ ચિન્નોય અને નિમીશ કેશરિયાના ફોર્મ ડયુઅલ મેમ્બરશીપના કારણે રદ કરવામાં આવ્યા હતા. જેની સામે તેઓને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અદાલત દ્વારા આગામી ગુરૂવારે સુનાવણી હાથ ધરવાની હોય ત્યારબાદ સમીકરણોમાં ફેરફાર આવી શકે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
દરમિયાન સોમવારે ફોર્મ ખેંચવાની અવધી પૂર્ણ થયા બાદ સહકાર પેનલના જનરલ કેટેગરી ગ્રુપ 1ના પાંચ ઉમેદવાર સુરેન્દ્રભાઈ પટેલ, લલીતભાઈ વોરા, દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઈ હિન્ડોચા અને મંગેશજી જોશી ઉપરાંત એસ.ટી. કેટેગરીમાંથી ચૂંટણી લડતા નવીનભાઈ પટેલને બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે.
આગામી 17મી નવેમ્બરના રોજ 15 ડિરેકટરો માટે 26 ઉમેદવારો વચ્ચે જંગ જામશે જેમાં સહકાર પેનલના ડો.માધવ દવે, ચંદ્રેશભાઈ ધોળકીયા, હિતેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, દેવાંગભાઈ માંકડ, ડો.નરસિંહભાઈ મેઘાણી, નવીનભાઈ પટેલ, ભૌમિકભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, જીવણભાઈ જાગાણી, વિક્રમસિંંહ પરમાર, ચિરાગભાઈ રાજકોટટીયા, હસમુખભાઈ ચંદારાણા કલ્પેશભાઈ પંચાસરા અને જયોતીબેન ભટ્ટ હાલ મેદાનમાં છે. સામા પક્ષે સંસ્ક્ાર પેનલના જયંતભાઈ ધોળકીયા, લલીતભાઈ વડેરિયા, ડો.ડી.કે.શાહ, દિપકભાઈ કારિયા, વિશાલભાઈ મીઠાણી, દિપકભાઈ અગ્રવાલ, ભાગ્યેશભાઈ વોરા, વિજયભાઈ કારિયા, પંકજભાઈ કોઠારી, નીતાબેન શેઠ અને હિનાબેન બોઘાણી મેદાનમાં છે. જો 14મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવનારી સુનાવણીમાં ચૂકાદો સંસ્કાર પેનલ તરફ આવશે તો કલ્પકભાઈ મણીયાર સહિતના ચાર ઉમેદવારો ચૂંટણી લડી શકશે.
દરમિયાન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સોમવારે હમીરભાઈ ચાવડા, જયશ્રીબેન શેઠ, રાકેશભાઈ શેઠ, રમેશચંદ્ર અધેરા, પ્રદિપભાઈ જૈન, શૈલેષભાઈ મકવાણા, વિજયભાઈ કોઠારી, સુનિલભાઈ ટેકવાણી અને ગણેશભાઈ ઠુંમરે ફોર્મ પરત ખેંચી લીધા હતા.
‘સહકાર’ નામના સત્તાધીશોને કોઈ વિશેષ દરજજો મળ્યો છે?: વિબોધ દોશીનો પ્રશ્ર્ન
‘સંસ્કાર’ પરિવાર તેમજ પેનલના કો-ઓર્ડિનેટર વિબોધ દોશીએ જણાવ્યું કે, સંસ્કાર” પેનલના રદ થયેલા ચાર ઉમેદવારો ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે તેવો વાંધો સામૂહિક રીતે સહકાર પેનલના 21 ઉમેદવારોએ ઉઠાવેલ હતો. વધુ નવાઈ વિચીત્રતા એ છે કે આ 21 માંહેના 10 થી વધુ ઉમેદવારો પોતે ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે. સહકાર પેનલ અને તેના નેતાઓ શું એવુ માને છે કે પોતાને આર્ટીકલ 370 મુજબ જેમ કાશમીરને ભૂતકાળમાં વિશેષ દરજ્જો મળે તેઓ કોઈ દરજ્જો મળેલ છે ?. ભારતની સ્વાધિનતા પછી સાતેક દાયકાઓ સુધી કાશમીરમાં 2 વિધાન, 2 નિશાન અને 2 પ્રધાન અમલમાં હતા. આવો કોઇ વિશેષ દરજ્જો વિશેષ દરજ્જો “સહકાર” ના નામની માત્ર માળા જપનારાઓને મળેલ હોય તો જાહેર કરે. નાગરિક બેન્કના હાલના 332 ડેલીગેટો એટલે કે મતદારો માંહેથી 80 થી વધુ ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે. એટલે કે 80 થી વધુ લોકો વિજય બેન્ક, રાજ બેન્ક કે અન્ય સહકારી બેન્કોમાં પણ મેમ્બરશીપ ધરાવે છે. અત્રે કાનુની અને ન્યાયપૂર્ણ પ્રશ્ન એ છે કે આ 80 ઉપરાંતથી વધુ ડેલીગેટો માંહેથી માત્ર 4 ડેલીગેટો એટલે કે “સંસ્કાર” પેનલના રદ થયેલા કલ્પકભાઈ સહિતના ઉમેદવારોને ડયુઅલ મેમ્બરશીપ શા માટે લાવવું ? અન્ય 10 ઉમેદવારો અને બાકીના ડેલીગેટો એટલે કે કુલ મળીને 80 ઉપરાંતના ડેલીગેટો ડયુઅલ મેમ્બરશીપના કારણે સત્વરે રદ થવા જોઈએ તેવી સ્પષ્ટ વાત વિબોધ દોશીએ જણાવેલ છે.