પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂ.૫૧ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૫૧ લાખ અપાયા : નલિનભાઇ વસા
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટી સ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં અને કોરોનાને અનુલક્ષીને બેંક દ્વારા રૂા. ૧ કરોડ ૨ લાખનું અનુદાન કરાયું છે. જેમાંથી રૂા. ૫૧ લાખ પ્રધાનમંત્રી કેર્સ ફંડ અને રૂા. ૫૧ લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં આપ્યું છે.
બેંકના ચેરમેન નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલની સંયુક્ત યાદી જણાવે છે કે, ‘બેંક ફક્ત બેંકિંગ કાર્ય જ કરતી નથી પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્યરત છે. વિશેષમાં સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સાથે લડવા અને બચવા ઝઝુમી રહ્યું છે. આપણા દેશની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં લીધેલાં પગલાંઓ અને સમગ્ર તંત્રના સાથ સહકારથી કોરોના મહામારીના પ્રકોપ સામે આપણે સહુ લડી રહ્યા છીએ. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂા. ૫૧ લાખ અને મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂા. ૫૧, એમ કુલ મળીને રૂા. ૧ કરોડ ૨ લાખનું દાન કોરોના મહામારી સામે લડવા માટે આપ્યું છે. આપણી બેંકે ભુતકાળમાં પણ સમાજમાં કોઇ મુશ્કેલી આવે, પછી તે દુષ્કાળ હોય કે હોનારત-પૂર કે ધરતીકંપ હોય. દરેક સમય અને સંજોગોમાં બેંકે દાનની સાથોસાથ યાયોગ્ય યોગદાન પણ આપ્યું છે. જેમાં મોરબી પુર હોનારત બાદ ગણતરીનાં કલાકોમાં જ બેંકિંગ સુવિધા શરૂ કરી હતી તેવી જ રીતે દુષ્કાળના સમયમાં ઘાસ વિતરણ, ભૂજનાં ધરતીકંપ વખતે માતબર દાન વગેરે કહી શકાય. આ ઉપરાંત રાજકોટનાં રેસકોર્ષ-૨માં નિર્માણધીન ‘અટલ સરોવર’ ખાતે માટે પણ રૂા. ૫૧ લાખનું દાન આપ્યું છે.’ આ તકે બેંક દ્વારા સહુને નમ્ર અપીલ કરવામાં આવે છે કે છેલ્લા થોડા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને ધ્યાને લેતાં દેશવાસીઓ ઘરે જ રહ્યા છીએ તેવી જ રીતે આવનારા દિવસોમાં પણ તંત્રને સહકાર આપીએ, સંયમ અને સંકલ્પ થકી વૈશ્ર્વિક મહામારી કોરોના સામે વિજયી બની અમગ્ર વિશ્ર્વ માટે દાખલારૂપ બનીએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા તમામ કર્મચારીગણને વ્યક્તિગત ઉપયોગ કરવા માટે અને સાવચેતીના પગલારૂપે સેનીટાઇઝર, હેન્ડવોશ અને કોરોના અંગે સાવચેતી રાખવા માટે આવશ્યક સુચના પત્ર બેંક તરફથી પુરા પાડેલ છે તેમજ બેંકની દરેક શાખાઓમાં ખાતેદારો બેંકે આવે ત્યારે તેમને સેનીટાઇઝરી હાથ સ્વચ્છ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે. આ બિમારી સામે લડવા માટે સાવચેતી એ જ સલામતી કહી શકાય.