ઉછીના પૈસા ન આપતા ચોટીલાથી કુવાડવા ગામ આવેલા ચાર શખ્સોએ બંને ભાઈઓને છરીના ઘા ઝીંક્યા
કુવાડવા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધાર ફરાર
રાજકોટ ભાગોળે આવેલા કુવાડવા ગામમાં મેડિકલ છાત્ર સહિત બે યુવાન પર ચોટીલાના શખ્સોએ ખૂની હુમલો કરતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉછીના પૈસા આપવાની ના પાડતા ચોટીલાના ચાર શખ્સો કારમાં કુવાડવા ગામે ધસી આવે બે ભાઈઓને છરીના ઘા ઝીંકી પલાયન થઈ ગયાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં નવાગામના શખ્સ સહિત ત્રણની ધરપકડ કરી છે જ્યાં મુખ્ય સૂત્રધાર હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામે રહેતા અને મેડિકલનો અભ્યાસ કરતા મહિતેશ ઉર્ફે કાનો હિતેશભાઈ ઉર્ફે કાળુભાઇ સોલંકી નામના ૨૦ વર્ષીય યુવાને કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ મહિતેશ ઉર્ફે કાનો અને તેના નાના ભાઈ યશરાજ પર ચોટીલાના જનક કાળુ વીકમા, નવાગામના રણજીત સામત ખાચર સહિત ચાર શખ્સોએ છરીથી ખૂની હુમલો કર્યો હતો. જે અંગે કુવાડવા પોલીસ મથકમાં જાણ થતાં પીઆઈ કે.એમ.ચૌધરી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદી મહીતેશ સોલંકીના કાકા ધર્મેશભાઈ ઉર્ફે હિતુભાઈ રજનીકાંતભાઈ સોલંકી પાસે ચોટીલામાં રહેતા તેના મિત્ર જનક વીકમાએ અગાઉ રૂ.૧.૫૦ લાખ ઉછીના લીધા બાદ વધુ રૂ.૪ લાખની માંગણી કરી હતી. જે બાબતે ધર્મેશભાઈ ઉર્ફે હિતુભાઇએ પૈસા આપવાની ના પાડતા જનક વીકમા અને નવાગામના રણજીત ખાચર અને અન્ય બે શખ્સો કારમાં કુવાડવા ગામે ધસી ગયા હતા.
જ્યાં ધર્મેશભાઈ ઉર્ફે હિતુભાઈને ગાડીમાં બેસી જવાનું કહેતા ત્યાં હાજર તેમના ભત્રીજા મહિતેશ અને યશરાજ વચ્ચે પડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા જનક સહિતના શખ્સોએ બંને ભાઈઓને છરીના ઘા ઝીંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં નવાગામના રણજીત ખાચર સહિત ત્રણ શખ્સોને દબોચી લીધા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર જનક વીકમા હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથધરી છે.