શહેરના વોર્ડ નં.૩માં જયુબેલી ગાર્ડન સ્થિત મહાપાલિકાના પમ્પીંગ સ્ટેશન ખાતે આજે સવારે કલોરીન ગેસનો બાટલો લીકેજ થતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી. જોકે વોટર વર્કસ શાખા અને ફાયર બ્રિગેડ શાખાની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. એક કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ ૯૦૦ કિલોના કલોરીન ટનરનો રાજકોટથી ૨૦ કિલો મીટર દુર આવેલા રીબડા પ્લાન્ટ ખાતે નિકાલ કરવામાં આવતા તંત્રને હાશકારો અનુભવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે શહેરના વોર્ડ નં.૩માં જયુબેલી ગાર્ડન ખાતે આવેલા કોર્પોરેશનના પમ્પીંગ સ્ટેશન ખાતે કલોરીન ગેસનો બાટલો લીકેજ થયો હોવાની જાણ કેમીસ્ટ મેસવાણીને થતા તેઓએ તાત્કાલિક અસરથી આ અંગે વોટર વર્કસ શાખા અને ફાયર બ્રિગેડ શાખાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. કલોરીન ગેસ લીકેજ થયો હોવાની જાણ થતાની સાથે જ અધિકારીઓનો કાફલો પમ્પીંગ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો. જયુબેલી ગાર્ડનમાં રમતા બાળકોને ગાર્ડનની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. બાટલો ઉપર નટમાંથી લીકેજ હોવાની જાણ થતા સૌપ્રથમ લીકેજ બંધ કરી દેવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા પાણી કલોરીનેશન માટે ગુજરાત સરકારની કંપની જીએસસીએલ પાસેથી કલોરીન ગેસના બાટલાની ખરીદી કરવામાં આવે છે. આજે સવારે કલોરીનનો બાટલો લીક થયાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો એમ્બ્યુલન્સ સહિતના સાધન-સામગ્રી સાથે જયુબેલી પમ્પીંગ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. સવારે ૧૦:૩૦ કલાકે આ ઘટના બની હતી. જોકે સમયસર બાટલો લીકેજ થતો હોવાની જાણ થતા મોટી દુર્ઘટના ટળી હતી.
૯૦૦ કિલોના કલોરીન ટનરમાં લીકેજ બંધ કરી આ બાટલાને એક મેટાડોરમાં નાખી રાજકોટથી ૨૦ કિલોમીટર દુર આવેલા રીબડા ફિલ્ટર પ્લાન્ટ પાસે ફેંકી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલોરીન ગેસનો આ બાટલો ગત ૨જી એપ્રિલના રોજ ચડાવવામાં આવ્યો હતો અને ૩૩ ટકા કલોરીન બાટલામાં ભરેલું હતું જો સમય રહેતા લીકેજની જાણ ન થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાવવાની સંભાવના પણ નકારી શકાતી ન હતી. બાટલો લીકેજ થતા પમ્પીંગ સ્ટેશનના સ્ટાફને આંખમાં સામાન્ય બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી. ગેસ ગળતર જેવી કોઈ ઘટના બની ન હતી. જયુબેલી પમ્પીંગ સ્ટેશન ખાતે રોજ ૨૦ એમએલડી પાણીનું કલોરીનેશન કરવામાં આવે છે. અહીં કલોરીન ગેસનો બાટલો લીકેજ થયા બાદ રેસ્કયુ ઓપરેશન પૂર્ણ ન થયું ત્યાં સુધી સતત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની અધિકારીઓના સંપર્કમાં રહ્યા હતા.
એક પણ વ્યકિતને કોઈ પણ પ્રકારની હાની થઈ નથી: મ્યુનિ. કમિશનર
જયુબેલી પંપીંગ સ્ટેશન પર ટનરની મેઈન વાલ્વ ખરાબ થવાથી આજે સવારે કલોરીન ગેસ ગળતર થયું હતુ. જોકે આ ઘટનાની જાણ થતા જ ફાયર એન્ડ ઈમરજન્સી ડિપાર્ટમેન્ટનો કાફલો અને વોટર વર્કસ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જયુબેલી પંપીંગ સ્ટેશન પહોચી ગયા હતા અને સમગ્ર મામલો જાહેર જનતા કે સ્ટાફને કોઈ પણ પ્રકારની સમસ્યા પૂર્વે જ કાબુમાં લઈ લીધો હતો. તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ.
કમિશનર આ અંગે વિશેષ વાત કરતા એમ કહ્યું હતુ કે, અધિકારીઓએ સાવચેતી તથા સલામતીના ભાગ‚પે આસપાસના વિસ્તારો તેમજ બગીચામાં રહેલ જાહેર જનતાને બનાવના સ્થળેથી દૂર ખસેડી લીધા હતા. ગેસ ગળતરથી એક પણ વ્યકિતને કોઈપણ પ્રકારની હાની કે આડઅસર થયેલ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com