ગ્રાહકને સર્વોપરી સમજીને તેમને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજકોટ પીજીવીસીએલ ગ્રામ્ય વર્તુળ કચેરી દ્વારા નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત નાગરીકોની સમસ્યાઓ વિશે ચિત્તાર મેળવવા અને તેમના તાત્કાલિક ઉકેલ માટે જસદણમાં પી.જી.વી.સી.એલ.ના મુખ્ય ઈજનેરશ્રી જે.જે. ગાંધીના અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં જેમાં હોદ્દેદારો દ્વારા વિવિધ ઓનલાઇન ચૂકવણી તથા એસ.એમ.એસ. અને પી.જી.વી.સી.એલ.ની વિવિધ કામગીરીઓ, નેટવર્કમાં ઉદભવતા વીજ ફોલ્ટના નિવારણ માટે લેવામાં આવતા પગલાઓ બાબતે તેમજ નોર્મલ સ્કીમમાં આપવામાં આવતા ખેતીવાડી વીજ જોડાણનો લક્ષ્યાંક પૂરો કરવા માટે તબક્કાવાર ચર્ચા કરવામાં આવી હતી તથા અન્ય સ્કીમોની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજુઆતો અને સૂચનો જાણી પી.જી.વી.સી.એલ. દ્વારા તમામ બાબતોનો ઉકેલ લાવવામાં આવશે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.