- એસઓજી ટીમે જ્યુબીલી ગાર્ડન નજીક ફૂટપાથ પરથી નશીલો પદાર્થ પકડી પાડ્યો : દશરથ સોલંકીની શોધખોળ
શહેરમાંથી વધુ એક વાર ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપ્યો છે. જ્યુબિલી ગાર્ડન નજીકથી પોલીસે રૂ.1.26 લાખના મુદ્દામાલ સાથે નેહરુનગરના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યુબિલી ચોક નજીકથી પોલીસે નેહરુનગરના શખ્સ ચેતન સમેચાને 11.950 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્સ અન્ય એક સાગરીત દશરથ સોલંકી સાથે ઓરિસ્સા ગયો હતો અને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો લઇને આવી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર જ્યુબિલી ચોક નજીક ગાર્ડન પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઊભો હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ એન.વી.હરિયાણી તથા કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે બે થેલા સાથે ઊભેલા નેહરુનગરના ચેતન ભરત સમેચા (ઉ.વ.21)ને ઘેરી લઇ થેલાની તલાશી લેતા તેમાંથી રૂ.1,19,500ની કિંમતનો 11.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ અને રોકડા રૂ.1700 સહિત કુલ રૂ.1,26,200ના મુદ્દામાલ સાથે ચેતન સમેચાની ધરપકડ કરી હતી. ચેતન પાસેથી ઓરિસ્સા નોરલા રોડથી અમદાવાદની ટ્રેનની બે ટિકિટ મળી આવી હતી. આ અંગે પૂછતાં ચેતને કબૂલાત આપી હતી કે, પોતે તથા નાનામવા વિસ્તારમાં રહેતો દશરથ રમેશ સોલંકી ઓરિસ્સા ગયા હતા અને ત્યાંથી ગાંજાનો જથ્થો ખરીદ કરીને આવ્યા હતા, તેમજ ચેતન અગાઉ પણ ઓરિસ્સાથી 6 કિલો ગાંજો લઇ આવ્યો હતો તે ગાંજાનું રાજકોટમાં જ વેચાણ કરી નાખ્યું હતું. પોલીસે દશરથની શોધખોળ શરૂ કરી હતી. ચેતન અને દશરથ ઓરિસ્સા ગયા હતા અને બે થેલામાં 11.950 કિલોગ્રામ ગાંજો લઇ આવ્યા હતા. ચેતને કબૂલાત આપી હતી કે, ટ્રેનમાં પણ પકડાવાનો ભય હોવાથી બંને અલગ અલગ બેઠા હતા અને બંને પાસે ગાંજો ભરેલો એક એક થેલો રાખ્યો હતો. કદાચ ટ્રેનમાં એક શખ્સ ઝડપાઇ જાય તો બીજો રાજકોટ ગાંજા સાથે પહોંચી શકે.