મહાપાલિકાનાં સહયોગથી આયોજીત ચેસ ટુર્નામેન્ટનું ૧૯મીએ સમાપન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે
બુદ્ધિમતાની શ્રેષ્ઠ રમતોમાં જે રમતનું અનેરું સ્થાન છે તે રમત ચેસનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશન દ્વારા પ્રથમ ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ ૨૦૧૮નું આયોજન રણછોડદાસજીબાપુ કોમ્યુનિટી હોલ, આનંદનગર, ભકિતનગર સર્કલ પાસે કાલથી તા.૧૯ સુધી રાખવામાં આવેલ છે. જે અંગે વિસ્તૃત વિગત આપવા કિશોરસિંહ જેઠવા, એ.જી.પરમાર, સી.એ.પરિન પટેલ, સી.એ.કેયુર પરમાર, સી.એસ.પીયુષ જેઠવા અને ચેતનભાઈ કામદારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમજ આ ટુર્નામેન્ટના મુખ્ય ઉદઘાટક તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવશે. ચેસ ટુર્નામેન્ટમાં મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરનો સહયોગ સાંપડેલ છે. આ ટુર્નામેન્ટ સફળ બનાવવા રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસિએશનના કિશોરસિંહ જેઠવા, સી.એ. પરીન પટેલ, મિતેશ બોરખેતરીયા, મનીષ પરમાર, સીએ કેયુર પરમાર, વિપુલ મકવાણા, ડો.નિમિશ પારેખ, ચેતન કામદાર, પ્રદીપ દાસ, હિમાંશુ ઝાલા, સીએસ. પિયુષ જેઠવા, હિંમતભાઈ અજમેરા સહિતના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ છે.
ચેસમાં રાજકોટમાં ઘણી બધી સંસ્થાઓ, એકેડેમી દ્વારા બાળકોને ચેસ કોચિંગ તેમજ ચેસ ટુર્નામેન્ટ રમાડવાનું સારું પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા ઘણી બધી સ્પોર્ટસની ઈવેન્ટસનું આયોજન કરે છે અને બાળકોમાં જાગૃતિ લાવવામાં ખુબ જ મોખરે રહેલ છે. ગયા વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓલ ઈન્ડિયા ફિડે રેટીંગ ટુર્નામેન્ટનું આયોજન સંપૂર્ણપણે તેમના સહયોગથી કરેલ હતું અને ઓલ ઈન્ડિયા લેવલે ચેસના ખેલાડીઓમાં તેનો સારાપ્રતિભાવ મળેલ હતો. આ વર્ષે પણ અમો ચેસ પ્લેયર એસોસીએશનને ઉપરોકત કોમ્યુનિટી હોલ ચેસ ટુર્નામેન્ટ માટે ૬ દિવસ ફ્રી ઓફ કોસ્ટ ફાળવેલ છે અને રૂ.૨,૨૧,૦૦૦/-ના ઈનામો આપી અમને પુરતો સહયોગ આપેલ છે.