રાજકોટની નવ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો: વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજય રેલીનું આજે સમાપન થયું હતું. ભાવનગરના કાળિયાખીડ સ્થિત સરદાર પટેલ હીલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધાઓનાં વિજેતા ઘોષિત કરાયા હતા.
આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૯૨૩થી સ્કાઉટ ગાઈડની પ્રવૃતિ ભાવનગર જિલ્લામાં કાર્યરત છે. વર્ષ ૧૯૬૩થી રાજય રેલી શરૂ થઈ હતી. પ્રથમ રેલી ૧૯૬૬માં સુરત ખાતે યોજાઈ હતી ત્યાં ભાવનગર ચેમ્પીયન બન્યું હતું. ૨૭મી રેલી માણસા ખાતે ભાવનગર ચેમ્પીયન બન્યુ હતું.
તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનનાં એક પ્રસંગનું ઉદાહરણ આપી તેમનો બીજાને આપવાની મનોવૃતિની મુકત કંઈ પ્રશંસા કરી હતી. ભાવનગરના આંગણે ૨૮મી રાજયરેલીમાં ભાગ લેનારા બાળકોને અહીં જે કંઈપણ જીવન ઉપયોગી શિક્ષણ મળ્યું છે તેનો સદઉપયોગ કરવાથી તેમનો ચોકકસપણે જીવન વિકાસ થશે.
જનરલ ચેમ્પીયનશીપ સ્કાઉટ વિભાગ નં.૧ ભાવનગર નં.૨ રાજકોટ જિલ્લો જયારે જનરલ ચેમ્પીયનશીપ ગાઈડ વિભાગમાં નં.૧ રાજકોટ અને નં.૨ ભાવનગર જિલ્લો વિજેતા બન્યો છે. આ પ્રસંગે ગાંવા સ્ટેટના ગાઈડ કેપ્ટન બિંદીયા ર્કાટકરને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. રાજયપાલ, મધ્યપ્રદેશ, વેસ્ટર્ન રેલવે, બાંગ્લાદેશ તેમજ રાજયનાં ૨૨ જિલ્લાનાં સ્કાઉટ અને ગાઈડને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘનાં પ્રમુખ મનસુખભાઈ જોષી જિલ્લા ચીફ કમિશનર જર્નાદન પંડયા, જિલ્લા મંત્રી બી.કે.સિઘ્ધપરા, જિલ્લા કો.ઓડિનેટર ભરતસિંહ પરમાર સહિતનાં જિલ્લા હોદેદારોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટની કુલ ૯ શાળાનાં ૨૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગાઈડ કેપ્ટન તરીકે અલકાબેન મોદી, રાજેશભાઈ હિંગુ, પ્રદ્યુમનસિંહ રાણા,અજયસિંહ ઝાલા,ગીતાબેન ડોબરીયા, યશભાઈ, નિધીબેન વ્યાસ, ચેતનાબેન શુકલાએ ભાગ લીધો હતો.