રાત્રી કરફયુનો સમય પણ મોડો કરવા માંગ
કોરોનાની સ્થિતિ અંગે વેપારી એસો. પ્રતિનિધિઓની બેઠક યોજી સ્વયંભૂ લોકડાઉન અંગે વિચારાશે: વી.પી.વૈષ્ણવ
હાલની કોરોનાની સ્થિતિ જોતા અને આગામી સમયમાં કોરોનાને વધુ પ્રસરતો રોકવા માટે બે થી ત્રણ દિવસ લોકડાઉન કરવાની જરૂર હોવાનો મત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવે વ્યકત કર્યો છે. રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે રાજકોટ અને રાજ્યભરમાં કોરોના જે ગતિએ વધી રહ્યો છે અને લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે અને જોતા બે થી ત્રણ દિવસ લોકડાઉન જરૂરી બન્યું છે.
સરકારે હાલ રાત્રે 8 થી સવારના 6 સુધી કરફયુ લાદયો છે તેમાં ફેરફાર કરવાની જરૂર છે. રાત્રી કરફયુના સમયમાં ફેરફાર કરી રાત્રે 10 વાગ્યાથી કરફયુનો અમલ કરવામાં આવે તો ખાણીપીણીના વ્યવસાયવાળાઓને રાહત થઈ શકે. હોટલ-રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીના વ્યવસાય માટે રાત્રે 8ના બદલે 10 સુધીની છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત 1 કલાક એટલે કે 10 થી 11 સુધી ફૂડ ડિલીવરી માટે છૂટ આપવી જોઈએ. આ માટે ડિલીવરી મેનોને માસ્ક, સેનીટાઈઝેશન તથા સામાજીક અંતર જાળવવા સહિતના નિયમો પાળવાના રહેશે. આવી રીતે કરફયુનો અમલ કરવામાં આવે તો ખાણીપીણીના કે નાના ધંધાર્થીઓને રાહત થઈ શકે.
સરકારે એકાદ બે દિવસમાં બે થી ત્રણ દિવસના લોકડાઉન અંગે નિર્ણય લેવો જોઈએ. અમે લોકડાઉન અંગે બધા એસોસિએશનોના હોદ્દેદારો, આગેવાનોની બે-ત્રણ દિવસમાં બેઠક યોજી તેમના વિચારો જાણીશું અને આ અંગે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરીશું. રાજ્યની હાલની કોરોનાની સ્થિતિ જોતા સરકારે બે-ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય કરવો જોઈએ તેમ પણ વૈષ્ણવે જણાવ્યું હતું.