વેપારીઓ અને નાગરીકોને શનિ-રવિ કોરોના કરફયુ નો અમલ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે અપીલ કરી છે.
ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે એક નિવેદનમાં અપીલ કરતા જણાવાયું હતું.
સમગ્ર દેશ તથા રાજયમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના મહામારીને ખતમ કરવા માટે સંપૂંર્ણ મહેનત કરવામા આવી રહી છે અને કોરોનાને ડામવા માટે યોગ્ય પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં હાલની કોરોનાની અંતિ ગંભીર પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર દ્વારા અગાઉ વિવિધ એસોસીએશનનો સાથે ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી મીટીંગ યોજી હતી અને તમામ એસોસીએશનોએ રાજકોટ ચેમ્બર જે પણ નિર્ણય લેશે તેમાં સહમત થઇ અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. રાજકોટ મેમ્બર દ્વારા વિવિધ એસોસીએશનનો સાથે વિચાર વિમર્શ કરી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી રાજકોટમાં શનિ-રવિ કોરોના કરફયુ જાહેર કરવામાં આવેલ છે.
શહેરના તમામ વેપારી મિત્રો તથા આમ જનતાને શનિ-રવિ કોરોના કરફર્યુનું પાલન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણે સૌ સલામત હશું તો વેપાર ધંધો પછી પણ કરી શકીશું તેમ જણાવ્યું હતું. સાથો સાથ આ કોરોના ઉપદ્રવને ખતમ કરવા માટે સરકાર તથા વિવિધ તંત્ર દ્વારા મહામહેનત કરવામાં આવી રહી છે ત્યારે આપણે પણ આમા લોકભાગીદાર થઇ કોરોનાને નાથવામાં સહભાગી બનીએ.
કોરોનાને હળવાશમાં ન લેવા અને સાવચેતી રાખી માસ્ક પહેરવા કોરોનાની વેકિસન લેવા અને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે સર્વેને અનુરોધ કર્યો છે.