કાર્યક્રમમાં તમામ વેપારી સંગઠનોમાં આગેવાનોએ ઉપસ્થિત રહીને શહીદોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની તૈયારી દર્શાવી
કાશ્મીરના પુલવામામાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા હતા. આ હુમલાના દેશભરમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે અને ઠેર-ઠેર શ્રધ્ધાંજલી કાર્યક્રમો, કેન્ડલ માર્ચ અને આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યાં છે. જયારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં અનેક વેપારી સંસ્થાઓ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એકઠા થયેલા વેપારીઓએ શહિદોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા ફંડ આપવાનો પણ નિર્ણય કર્યો હતો.
પુલવામાના શહિદોને દેશભરમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટની વેપારી સંસ્થાઓ પણ શહિદોને સલામી આપવા આગળ આવી હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો., મેટોડા ઈન્ડસ્ટ્રીયલ એસો. સહિતના નાના-મોટા તમામ વેપારી સંગઠનો દ્વારા ત્રિકોણબાગ ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત તમામ આગેવાનો અને વેપારીઓએ બે મિનિટનું મૌન પાળીને તેમની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી જે બાદ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરના પ્રમુખ નવીનભાઈ ઝવેરી, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે પ્રાસંગીક ઉદ્બોધનો કરીને શહિદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા.
આ તકે અનેક વેપારી આગેવાનોએ શહિદોના પરિવારજનોને આર્થિક રીતે મદદ થવા ફાળો એકઠો કરવાનું સુચન કરાયું હતું અને જેને ઉપસ્થિત તમામ વેપારીએ વધાવી લઈને શહિદોના પરિવારજનો માટે શકય તેટલો ફાળો મોકલવાની તૈયારી દર્શાવી હતી.
જવાનોની શહીદીથી ખમીર અને જમીર ઉકળી ઉઠયુ છે: વી.પી.વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આ તકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત દેશના વતની તરીકે ૧૪મી તારીખે કાશ્મીરની બોર્ડર લાઈન પર એટેક થયો હતો જેમાં આપણા ૪૪ જવાનો શહિદ થઈ ગયા હતા એ શહિદી એળે ન જાય અને દેશના વતની તરીકે આપણું ખમીર અને જમીર ઉકળી ઉઠે તે સ્વાભાવિક છે તે ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને બધા એસોશીએશન સાથે મળીને અને તમામ વેપારી મિત્રોએ એક નિર્ણય કર્યો કે આપણે પણ સૌ સાથે મળી એક શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ રાખવો જોઈએ જેના ભાગરૂને આ કાર્યક્રમ યોજયો છે.દેશની સુરક્ષા કરનાર જવાન જયારે શહિદ થાય અને એની પાછળથી તેમના પરિવારનું ગુજરાન વ્યવસ્થીત ચાલે માટે ફુલ નહીં તો ફુલની પાંખડી બધા એશોશીએશને ઉઘરાવી અને ચેમ્બર ઓફ કોમર્સ પણ સાથે મળી આવનાર દિવસોમાં સારૂ એવું ફંડ જમા કરાવશું.
જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની
પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ જવાનોને દેશભરનાં લોકો વિવિધ રૂપે શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. ત્યારે પરિશ્રમ પ્લાઝાના ઓવનર એસોસીએશન દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપી મૌન રાખવામાં આવ્યું હતુ દેશ માટે કુર્બાની વ્હોરનાર વિરોની આત્માની શાંતી માટે કેન્ડલ કરવામાં આવી હતી.