રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક બન્નો જોષીના પ્રયાસથી વેચાણ કેન્દ્ર શરૂ કરાયું
સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજથી પ્રારંભ થયો છે. પ્રત્યેક મેળાની જેમ આ વરસે પણ રાજકોટ મધ્યસ્થ જેલના ભજીયા લોકોનું આકર્ષણ હોટ ફેવરીટ રહ્યા છે. રાજ્યના એડી.ડીજીપી, કે.એલ.રાવ તથા રાજકોટ મધ્યસ્થ જેઇલ અધિક્ષક બન્નો જોષીની સૂચના-માર્ગદર્શન હેઠળ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળામાં ખાસ ભજીયા હાઉસ વેંચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. આ ભજીયા વેંચાણ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન જેલના કેદીઓ દ્વારા જ કરવામાં આવે છે.
હાલ 10 બંદીજનો આ વેંચાણ કેન્દ્ર ઉપર કાર્યરત છે અને તેઓ ભજીયા બનાવવા, હિસાબ-કિતાબ રાખવો, માલ-સામાન લેવા જેવો સંપૂર્ણ કામગીરી હાથકડી કે કોઇપણ પ્રકારના બંધન વગર મુક્ત રીતે મેળામાં હરી-ફરી કે સોંપાયેલ કાર્ય કરતા હોય છે. રાજકોટ જેલ ફેક્ટરી મેનેજર સી.એમ.પરમાર કહે છે ‘જેલમાં સુથારીકામ, વણાટકામ, બેકરી ઉત્પાદન તાલીમ અપાય છે અને આ ઉદ્યોગથી તેને કામ મળે છે અને સરકાર દ્વારા ધોરણ મુજબ પગાર પણ આપવામાં આવે છે.
રાજકોટ ઇન્ચાર્જ જેલર કિરણસિંહ સિસોદિયા કહે છે આવા ઓપન વેંચાણ કેન્દ્ર જૂના બંદીજનો અને લાંબી સજા ભોગવી હોય અને ટુંકી સજા બાકી હોય અને વરસોથી જેલમાં ચાલતા વિવિધ ઉદ્યોગોમાં ખંત મહેનતથી કામ કર્યું હોય તેવા અનુભવીને સંચાલન સોંપાય છે.