શહેરની તમામ સરકારી ઈમારતોને કરાશે ઝગમગાટ: તા.૧૫ જાન્યુઆરીથી કરોડો રૂપિયાનાં કામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે: ઉજવણીની તૈયારી સંદર્ભે ૧૬ જેટલી સમિતિઓની રચના કરતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન
રાજયકક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી રાજકોટમાં થવાની છે. આ ઉપરાંત ૨૬મી પૂર્વે તા.૨૫નાં રોજ એટ હોમ કાર્યક્રમ પણ યોજાવાનો છે. પ્રજાસતાક પર્વને અનુલક્ષીને તા.૧૫ જાન્યુઆરીથી શહેરમાં વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનાં કાર્યક્રમો પણ યોજાવાના છે. આમ પ્રજાસતાક પર્વ દરમિયાન કાર્યક્રમોની ભરમાર થવાની છે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને ૧૬ જેટલી સમિતિઓની રચના પણ કરી છે.
આજે રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની મળેલ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનએ રાજકોટ ખાતે થનારરાષ્ટ્રીય પર્વની આગામી તા. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે વિવિધ ૧૬ જેટલી કમીટીની કરાયેલ રચનાની જાહેરાત કરી હતી. કલેકટરે વિવિધ કમીટીઓ/ખાતાઓને કરવાની થતી કામગીરી અને પૂર્વ તૈયારીનું પ્રેઝન્ટેશન તૈયાર કરીને આગામી તા. ૨૦ના બુધવારના સાંજ સુધીમાં કલેકટર કચેરીને ખાસ બ્રાંચમાં હાર્ડ/ સોફટ કોપીમાં રજુ કરવા સંબંધકર્તા અધિકારીઓને સુચના આપી હતી તેમજ વિવિધ કમીટીઓને કરવાની થતી ટેન્ડરીંગની કામગીરી અત્યારથી હાથ ધરવા પણ જણાવાયુ હતું.
આ વિવિધ કમીટીની કરાયેલ રચનાઓમાં મુખ્ય સંકલન સમિતિ, એટહોમ કાર્યક્રમ સમિતિ, પરેડ સલામતિ સમિતિ, આમંત્રણ સ્વાગત-પ્રોટોકોલ, વાહન સંપાદન, પાર્કીંગ ટ્રાફિક નિયમન સમિતિ, મેગા ઇવેન્ટસ કાર્યક્રમ, વિકાસ કામોના લોકાર્પણ-ખાત મુહુર્ત, મંડપ, લાઇટ વ્યવસ્થાપન, ઉજવણીના રીપોર્ટીંગની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પીવાના પાણી અંગે વ્યવસ્થાપન, મહેમાનો માટે રહેઠાણ, ભોજન, આરોગ્ય, ડીઝાસ્ટર સેલ, સ્વચ્છતા તથા સુશોભન અને પ્રેસ, મીડીયા-પ્રચાર પ્રસાર કમીટીનો સમાવેશ થાય છે. કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. ૧૫ જાન્યુઆરીથી જિલ્લામાં વિવિધ સ્થળોએ વિવિધ ખાતાઓ હસ્તકના વિકાસના કામોના ખાતમુહુર્તો/લોકાર્પણના કાર્યક્રમોનો શુભારંભ મંત્રીઓ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. કલેકટરે ઉમેર્યુ હતું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમની સાથે રાજય સરકારના ખાતાઓ દ્વારા જિલ્લાનાગામ/તાલુકામાં લોકોપયોગીયોજનામાં ૧૦૦ ટકા કામગીરી થઇ શકે તેવી યોજનાઓના અમલીકરણ પર ખાસ ધ્યાન આપવા સુચના આપી હતી.
આ સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓના વિવિધ લોકપ્રશ્નો રજુ થયા હતા.અને જેના ઉકેલ માટે સંબંધકર્તા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ કર્યુ હતું. આ બેઠકમાં ધારાસભ્ય લલીતભાઇ કગથરા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, પ્રાંત અધિકારીઓ અને સબંધકર્તા ખાતાના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.