• અમુલ સર્કલ પાસે સ્પીડ બ્રેકર પાસે ઢોરનું ટ્રેકટર ધીમુ ચલાવતા બાઇક પર આવેલા બે શખ્સો બે કર્મચારીની આંખમાં સ્પ્રે છાંટી ભાગી ગયા
  • પશુ પકડતા સ્ટાફની ફરજમાં અંતરાય ઉભી કરતા બંને શખ્સો સામે નોંધાતો ગુનો
  • હાઇકોર્ટના આદેશથી કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશને અટકાવવાના પ્રયાસ: મહાપાલિકાના સ્ટાફ પર થયેલા હુમલાથી રોષ

રખડતા ઢોરના કારણે જીવલેણ અને ગંભીર અકસ્માત સર્જાતા હોવાથી હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોરને પકડવા અંગે તંત્રને તાકીદ કરી નક્કર કાર્યવાહી કરવા આપેલા આદેશના પગલે રાજકોટમાં રખડતા ઢોરને પકડવાની શરૂ કરાયેલી ઝુંબેશને અટકાવવા વહેલી સવારે અમુલ સર્કલ પાસે કોર્પોરેશનના બે કર્મચારીની આંખમાં જલદ પ્રવાહીનો સ્પ્રે છાંટી બે શખ્સો બાઇક પર ભાગી ગયાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. બંને કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઢોર પકડતા સ્ટાફ પર થયેલા હુમલાના કારણે મહાપાલિકાના કર્મચારીઓ રોષે ભરાયા હતા.

મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાથીખાનામાં રહેતા અને કોર્પોરેશનમાં ઢોર પકડ વિભાગમાં ફરજ બજાવતા ધીરૂભાઇ નારણભાઇ ડોલાસીયા અને નવા થોરાળામાં રહેતા મેરૂભાઇ કરણભાઇ ચાવડા ઢોર પકડવાના ટ્રેકટર સાથે વહેલી સવારે અમુલ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે સ્પ્રીડ બ્રેકર પાસે ટ્રેકટર ધીમુ કર્યુ તે દરમિયાન અગાઉથી બાઇક લઇને ઉભેલા બે અજાણ્યા શખ્સોએ જલદ પ્રવાહીવાળો સ્પ્રે બંનેની આંખમાં છાંટી દેતા બનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ધીરૂભાઇ ડોલાસીયા અને મેરૂભાઇ ચાવડા વહેલી સવારે અમુલ સર્કલ પાસેથી ઢોર પકડીને ડબ્બે મુકીને પરત આવી રહ્યા હતા ત્યારે પશુના માલિકો અને માલધારીઓ દ્વારા કોર્પોરેશનના સ્ટાફ પર ધાક જમાવવાના ઇરાદે હુમલો કરવા પ્લાન બનાવી બે શખ્સોએ બંને કર્મચારીની આંખમાં જલદ સ્પ્રે છાંટી દીધાનું ધીરૂભાઇ ડોલાસીયા અને મેરૂભાઇ ચાવડા જણાવી રહ્યા છે. કોર્પોરેશનના બંને કર્મચારી પર હુમલો થયાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં મહાપાલિકાનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને બંને અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રખડતા ઢોરના કારણે સર્જાતા અકસ્માતના બનાવ અટકાવવા હાઇકોર્ટ દ્વારા તંત્રની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી કડક કાર્યવાહી કરવાની કરેલી તાકીદના પગલે રાજકોટ મહાપાલિકા દ્વારા દિવસ-રાત રખડતા ઢોરને પકડવાની શરૂ કરેલી ઝુંબેશના કારણે માલધારીઓ પોતાના ઢોરને પકડતા અટકાવવા અવાર નવાર હુમલા કરતા હોવાથી માથાભારે ગણાતા માલધારી સામે કડક કાર્યવાહી કરવાની મહાપાલિકાના સ્ટાફ દ્વારા માગ થઇ રહી છે.

હાઇકોર્ટના સૂચન બાદ તંત્ર હરકતમાં આવીને રખડતા ઢોર પર તવાઈ હાથધરી છે. જેના કારણે રાજકોટ મનપાના સ્ટાફ દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથધરવામાં આવી છે. ઢોર પકડતી વેળાએ અનેક વખત પશુપાલકો સાથે ઘર્ષણ થવાના બનાવો સામે આવતા હોય છે. પરંતુ હાલ ચાલી રહેલી જટિલ કાર્યવાહીમાં પશુપાલકો દ્વારા કરવામાં આવતા હુમલાઓના કારણે મનપાના સ્ટાફમાં પણ ચિંતા પ્રસરી છે.

તેવી જ રીતે આજરોજ વહેલી સવારે મનપાના સ્ટાફ દ્વારા જ્યારે મોડી રાત્રીથી જ થોરાળા વિસ્તારમાં કાર્યવાહી ચાલતી હતી. જેમાં એક રાઉન્ડમાં મનપાના સ્ટાફે રખડતા ઢોરનો પાંજરે પૂર્યો હતા. તો બીજા રાઉન્ડમાં પરત ફરતી વેળાએ ઢોર પકડતા સ્ટાફના ટ્રેકટર ચાલક મેરૂભાઈ અને અન્ય સ્ટાફના ધીરુભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે. ટ્રેકટર ચાલક મેરુભાઈએ સ્પીડબ્રેકર પાસે બ્રેક મારતા બાઈક પર ઘસી આવેલા બે અજાણ્યા શખ્સોએ જલદ પ્રવાહી મોઢા પર મારતા બંનેની આંખો અને મોઢા પર બળતરા શરૂ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મનપાના કર્મચારી સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં એકઠા થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.