અબતક, રાજકોટ
દિવાળીના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન કાજુ-બદામ અને તિખા ગાંઠીયાના નમુના લેવામાં આવ્યા છે. ગોંડલ રોડ અને કોઠારીયા રોડ પર ૧૪ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૩૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ત્રણને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પેડક રોડ પર આનંદ ભુવનમાં પેસીયસ ઓર્નામેન્ટમાં જસ્ટ સિલેકટેડ ડ્રાયફૂટના ૨૫૦ ગ્રામ પેકિંગમાંથી કાજુ, આરટીઓ નજીક જૂના માર્કેટીંગ યાર્ડમાં જતિપુરા એન્ટરપ્રાઈઝમાંથી લુઝ બદામ અને હરીઘવા રોડ પર ખોડીયાર ફરસાણમાંથી તિખા ગાઠીયાના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગોંડલ રોડ અને કોઠારીયા રોડ પર અલગ અલગ ૧૪ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મહિરાજ કાઠીયાવાડીમાંથી ૩ કિલો વાસી મન્ચ્યુરન, પટેલ સમોસામાંથી ૨ કિલો વાસી બાંધેલો લોટનો નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. પટેલ વડાપાંઉમાં ૨૦ કિલો સોસનો નાશ કરી નોટિસ અપાઈ હતી. જ્યારે ક્રિષ્ના પાણીપુરીમાં ૩ કિલો બટેટાના મસાલાનો નાશ કરાયો હતો.
કોઠારીયા રોડ પર ખોડીયાર ફરસાણમાં ૪ કિલો તેલનો નાશ કરી ફરસાણ બનાવવા માટે જે તેલ ઉપયોગમાં લેવામાં આવતું હોય તેનું બોર્ડ મારવા તાકીદ કરવામાં આવી હતી. આજે ચેકિંગ દરમિયાન ૩૨ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી ૩ વેપારીને નોટિસ આપવામાં આવી છે.