“મકાન ખાલી કરાવા આવ્યા તો ટાટિયા ભાગી નાખીશ” ની ધમકી આપી વિધવાને ધમકાવતા રાવ
રાજકોટમાં સબંધના દાવે વર્ષ ૨૦૧૯માં ભાડે આપેલા આવાસને પચાવી પાડી ખાલી કરવાને બદલે વિધવાને ધાક ધમકી આપી ટાટિયા ભાગી નાખવાનું કહેનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ આધારે યુનિવર્સિટી પોલીસે લેન્ડ ગ્રેબીગ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ સંત કબીર રોડ રાજારામ મેઇન રોડ પર રહેતા ભાનુબેન ભરતભાઇ મોરાણિયા નામના વિધવાએ યુનિવર્સીટી પોલીસમાં લેન્ડ ગ્રેબિગની ફરિયાદમાં આરોપીમાં
વિપુલ ભગવાન નળિયાપરા નામના શખ્સનું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે. જે બંને અપરિણીત છે. અને મહિલાના પતિનું 2015માં અવસાન થયું હતું. સંત કબીર રોડ પરના મકાનની બાજુમાં શેરી નીકળતી હોય જે રોડને મોટો કરવા માટે મનપા દ્વારા 2005માં મકાન થોડું કપાતમાં ગયું હતું. તે સમયે મનપાએ સાધુ વાસવાણી રોડ, અજંતા પાર્ક સોસાયટી પાસે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા આવાસમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. જેનો વહીવટ પતિએ 2012માં પૂરો કરી દેતા ક્વાર્ટરનો કબજો અમારી પાસે હતો, પરંતુ પતિના અવસાન બાદ બંને પુત્ર સાથે રહેતા હોય તે ક્વાર્ટર બંધ રહેતું હતું.
દરમિયાન દૂરના સગાની ઓળખાણથી વિપુલ નળિયાપરાને છ-સાત મહિના માટે ક્વાર્ટર સંબંધના નાતે 2019ના ઓગસ્ટ મહિનામાં રહેવા આપ્યું હતું અને તેને બીજે મકાનની સગવડતા થશે એટલે ખાલી કરી દેવાની ખાતરી આપી હતી. વિપુલ મહિને રૂ.2100 લેખે છ મહિના સુધી ભાડું આપ્યું હતું. ત્યાર બાદ ભાડું આપવાનું બંધ કરી દેતા તેને ક્વાર્ટર ખાલી કરી આપવા જણાવ્યું હતું, પરંતુ તેને ક્વાર્ટર ખાલી કર્યું ન હતું. ત્યાર બાદ કોરોનાની મહામારી આવી જતા એક વર્ષ સુધી વિપુલને ક્વાર્ટર ખાલી કરવા અંગે કંઇ કહ્યું ન હતું.
કોરોનાની મહામારી પૂરી થઇ જતા વિપુલને ક્વાર્ટર ખાલી કરવાનું કહેતા તે જુદા જુદા બહાના કાઢી સમય માગતા હતા. ત્યારે બે વર્ષ પહેલા વધુ એક વખત ક્વાર્ટર ૫૨ પુત્રને સાથે લઇ જઇ વિપુલને ક્વાર્ટર ખાલી કરવાનું કહ્યું હતું. ત્યારે વિપુલ ગાજવા લાગયો હતો અને ક્વાર્ટર ખાલી કરવું નથી, તમારે જેમ કરવું હોય તેમ કહી લે જો, મારી ઉપર ઘણા ગુના છે. મને કંઇ ફેર નહિ પડે અને હું હાલમાં જ જેલમાંથી છૂટીને આવ્યો છું. હવે આ ક્વાર્ટર બાજુ દેખાતા નહિ નહિતર ટાંટિયા ભાંગી નાખીશની ધમકી આપી ગાળો ભાંડી હતી. જેથી વિધવાએ લેન્ડ ગ્રેબિગની અરજી કરતા તપાસમાં વિધવાનું ક્વાર્ટર વિપુલ નળિયાપરાએ પચાવી પાડ્યું હોવાનું બહાર આવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વિપુલ નળિયાપરાની ધરપકડની કાર્યવાહી હાથધરી છે.