પેડલર પોતે પણ ડ્રગ્સનો બંધાણી: રાજસ્થાનથી જથ્થો મગાવી વહેંચતો હોવાની કબૂલાત

રાજકોટના રામનાથપરા વિસ્તારમાં એસોજીના સ્ટાફે દરોડો પાડી ચપ્પલના સોલમાં છુપાયેલા રૂ.5.49 લાખના એમડી ડ્રગ્સ અને હેરોઇનના જથ્થા સાથે કેરિયરને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પેડલર પોતે પણ ડ્રગ્સનો બંધાણી હોવાનું અને રાજસ્થાનથી ડ્રગ્સ અને હેરોઇન મગાવી વહેંચતો હોવાની કબૂલાત આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર એસ.ઓ.જી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના રામનાથપરા વિસ્તારમાં શેરી નંબર 8 નજીક જાની અનાજ ભંડાર સામે ડ્રગ્સ સાથે ઉભો છે. આ હકિકતના આધારે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા બાતમીવાળો શખસ મળી આવતા તેની પૂછપરછ કરતા તેનું નામ વસીમ મુલતાની જણાવ્યું હતું.

વસીમની તપાસ કરતા તેના ચપ્પલમાંથી છૂપાવેલો મેફેડ્રોન અને હેરોઇન જથ્થો મળી આવ્યો હતો. આથી તેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી 16,650 કિંમતનો 3.330 ગ્રામ હેરોઇન અને 5.27 લાખ કિંમતનો 52.400 ગ્રામ મેફેડ્રોનનો જથ્થા સહિત કુલ 5 લાખ 49 હજારનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી અગાઉ પણ એન ડી પી એસ તેમજ પ્રોહિબિશન સહિત 5 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, રામનાથપરા વિસ્તારમાં વસીમ નામનો યુવાન એમડી ડ્રગ્સનો ધંધો કરે છે. આથી તેનું લોકેશન અને સર્વેલન્સ કરી વેરિફાઇ કરવામાં આવ્યું હતું. બાદમાં ગઇકાલે તે બહારના રાજ્યમાંથી ડ્રગ્સ લઇને આવતો હોવાની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી. રાજકોટ પહોંચતા તેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ કરાઇ હતી. તપાસ દરમિયાન ચેના ચપ્પલની અંદર એમડી ડ્રગ્સ છૂપાવેલું હતું. 3 ગ્રામથી વધુ હેરોઇન અને 52 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું છે.

એમડી ડ્રગ્સની કિંમત હાલ બજારમાં જોવા જઇએ તો એક ગ્રામની કિંમત 10 હજાર રૂપિયા હોય છે. પગમાં પહેરવાના સ્લીપરની અંદર સોલ હોય તેની અંદર ડ્રગ્સ છૂપાવી દેતો હતો અને બાદમાં તેને ફેવિક્વિકથી ચોટાડી દેતો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું સ આરોપી ગુજરાત બહારથી ડ્રગ્સ લાવ્યો હતો. અગાઉ 2020માં ડ્રગ્સના ગુનામાં પકડાયેલો છે અને દારૂ અને હથિયાર રાખવાના ગુનામાં પકડાયેલો છે. પોતે પણ ડ્રગ્સનો વપરાશ કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.