રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્સર હોસ્પિટલમાં ફરી કોરોના માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સમરસ હોસ્ટેલને પણ આગામી બેથી ત્રણ દિવસમાં પહેલાની જેમ જ કાર્યરત કરવાની તૈયારીઓ આદરી દીધી છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા જિલ્લા કલેકટર તંત્ર ફરી એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં બેડની સંખ્યા વધારવા માટે તંત્ર દ્વારા પુરજોશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માટે ખાનગી તબીબો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર તરફથી પણ બેડની વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અગાઉ કેસો ઘટતા કેન્સર હોસ્પિટલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને આજથી ફરી શરૂ કરી દેવામાં આવ્યુ છે. અહીં 192 બેડ ગોઠવવામાં આવ્યા છે.
આ ઉપરાંત કલેકટર તંત્ર દ્વારા બેથી ત્રણ દિવસમાં સમરસ હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવનાર છે. જ્યાં 250 જેટલા બેડ ગોઠવવામાં આવ્યા છે. હાલની બેડની સ્થિતિ જોઈએ તો પીડિયું હોસ્પિટલમાં 590 બેડ અને 201 વેન્ટિલેટર છે. જ્યાં હાલ 121 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી 469 બેડ ખાલી છે.
ઇએસઆઇએસમાં 41 બેડની વ્યવસ્થા છે. જ્યાં તમામ 41 બેડ ખાલી હાલતમાં છે. કેન્સર હોસ્પિટલમાં 192 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે તમામ ખાલી છે. ગોંડલમાં 54 બેડ ઉપલબ્ધ છે. જે તમામ ખાલી છે. જસદણમાં 24 અને ધોરાજીમાં 35 બેડ છે. જે તમામ ખાલી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમા 529 બેડ અને 69 વેન્ટિલેટર છે. જેમાં હાલ 232 દર્દીઓ સારવાર હેઠળ છે જેથી 297 બેડ ખાલી છે. આમ જિલ્લામાં 1465 બેડ ઉપલબ્ધ છે. 1305 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. 270 વેન્ટિલેટર છે. હાલ જિલ્લામાં 353 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમા સારવાર હેઠળ છે. જિલ્લામાં ખાલી બેડની સંખ્યા કુલ 1112 છે.