રાજકોટ: કોરોના મહામારીની બીજી લહેરના સંક્રમણના સમયમાં આજે અનેક લોકો માનસીક ભય અનુભવી રહયાં છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પડે છે. તેમાંય જો આવા લોકોને કોરોના પોઝિટિવ આવે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે કેટલાક કિસ્સામાં માનસીક ભયના કારણે તેમનું ઓકસીજન લેવલ ઘટી જતું હોય છે. આવા સમયે કોરોના સંક્રમિત વ્યક્તિને દવા-સારવારની સાથે પારિવારીક હૂંફની પણ જરૂર હોય છે. આવા દર્દીઓને માનસીક-શારિરીક પરિસ્થિતિને ધ્યાને લઇ તેમને રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલમાં યોગ્ય સારવારની સાથે પારિવારીક વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.જેના કારણે અહીં આવતાં દર્દીઓ બહું ઝડપથી માનસીક રીતે સ્વસ્થ બની કોરોના મૂક્ત થઈને તેમના પરિવાર પાસે સ્વગૃહે પરત ફરી રહ્યાં છે.
કેન્સર કોવીડ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓને અન્ય બિમારી હોવાના કારણે, વધુ વય અથવા તો માનસીક ભયના પરિણામે તેમને વેન્ટીલેટર અથવા તો ઓક્સિજનની જરૂર પડતી હોય છે. આવા દર્દીઓને સમયાંતરે દવાઓ આપવાની સાથો સાથ આ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ આવા દર્દીઓમાં હકારાત્મકતા કેળવાય અને તેઓ ઝડપથી સ્વસ્થ બને તે માટે તેમની પરિવારના સ્વજનની જેમ સંભાળ લઈ તેમની સાથે વાર્તાલાપ કરી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે તેવો સધીયારો પૂરો પાડી રહ્યાં છે. એટલું જ નહી પરંતુ વધુ વય ધરાવતાં અથવા પોતાની હાથે જમી ન શકતા દર્દીઓને આરોગ્યકર્મીઓ પી.પી.ઈ. કીટ પહેરીને પોતાના પરિવારની એક વ્યક્તિ હોય તે રીતે દર્દીને જમાડી રહયાં છે.
આ હોસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહેલા વૈશાલીબેન પરમારના ભાઈ મિલનભાઈએ તેમના બહેનને કેન્સર કોવીડ હોસ્પિટલમાં મળી રહેલી સારવાર બાબતે પૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, વૈશાલી બહેન પહેલા મારા મોટા બહેનને પણ કોરોના થયો હતો. તેમને કોરોનાની અસર ઓછી હતી, તેમ છતાં પણ તેમને કોરોનાનો ડર વધુ લાગતો હતો તેના કારણે તેમને અમે બચાવી ન શક્યા. પરંતુ મારા આ બીજા વૈશાલી બહેનને કોરોના સંક્રમણ વધુ છે, તેમનું ઓકસીજન લેવલ ૭૦ થઈ ગયું હતુ, તેના કારણે તેમને પહેલા બે દિવસ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. કેન્સર કોવીડ હોસ્પિટલમાં તેમની સારવાર ખૂબ જ સારી રીતે થઈ રહી છે. બહેન સાથે વિડીયો કોલીંગથી વાત પણ કરાવે છે. એટલું જ નહી હોસ્પિટલના નર્સ બહેન તેમના હાથેથી મારા બહેનને ભોજન પણ કરાવે છે.
ગુજરાતમાં આવેલી આવી આરોગ્ય મંદિરો રૂપી હોસ્પિટલો અને તેમા કાર્યરત આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવતી સેવા ભાવના સાથેની સારવારના પરિણામે આજે ગુજરાતમાં અનેક દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બની તેમના પરિવારજનો સાથે સુખરૂપ જીવન વ્યતિત કરી રહયાં છે.