રાજકોટથી વહેલી સવારે રવાના થયેલી સોલંકી પરિવારની જાનની બસ આંબરડી નજીક રોડ પરથી પલટી મારી ગઇ: 18 ઇજાગ્રસ્તોને ધારી અને 10 ગંભીર વ્યક્તિઓને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં
રાજકોટથી આંબરડી જતી સોલંકી પરિવારની બસને આજે સવારે આંબરડી નજીક અકસ્માત નડ્યો હતો. રોડ પરથી બસ પલ્ટી મારી જવાના કારણે બસમાં બેઠેલા 28 જાનૈયાઓ ઇજાગ્રસ્ત બન્યાં છે. જે પૈકી 10 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાંની સાથે સમાજના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા છે. હજુ સુધી કોઇ વ્યક્તિના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયાં નથી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટના ભાયલાલભાઇ ખીમજીભાઇ સોલંકીના પુત્રની જાન ધારીના આંબરડી ગામના છગનભાઇ લવજીભાઇ ચોટલીયાને ત્યાં ગઇ હતી. વહેલી સવારે જીજે-03-ડબલ્યૂ-9531 નંબરની બસમાં હોંશે-હોંશે જાનૈયાઓ આંબરડી જવા માટે રવાના થયા હતાં. જાન માંડવે પહોંચે તે પહેલા આંબરડી ગામ નજીક અચાનક જાનૈયાઓથી ભરેલી બસ પલ્ટી મારી ગઇ હતી. જેમાં 28 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જે પૈકી 10 વ્યક્તિઓની હાલત ગંભીર છે.
ઘાયલ થયેલા જાનૈયાઓ પૈકી હિરાબેન મુકેશભાઇ ચોટલીયા, નિર્મળાબેન શ્યામજીભાઇ ચૌહાણ, ભૂમિબેન પ્રતિકભાઇ ટાંક, હિનાબેન ચેતનભાઇ વેગડ, દક્ષાબેન દિપકભાઇ રાદડીયા, રવિભાઇ સુરેશભાઇ ગેડીયા, રમેશભાઇ કેશવભાઇ રાઠોડ, જગદીશભાઇ સવજીભાઇ ગેડીયા, ભગવાનભાઇ મોહનભાઇ ચૌહાણ, ભરતભાઇ મનજીભાઇ ચૌહાણ અને ગીતાબેન શૈલેષભાઇ વેગડને ધારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 10 જાનૈયાઓને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટથી નીકળેલી સોલંકી પરિવારની જાનને આંબરડી નજીક અકસ્માત નડ્યો હોવાની જાણ થતાંની સાથે જ સમાજના આગેવાનો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બસ પલ્ટી મારી જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા 28 પૈકી 10 જાનૈયાઓની હાલત ગંભીર છે. પરંતુ એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા નથી. હાલ ઇજાગ્રસ્તોને ધારી અને અમરેલીની હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.