-
એન્જલ શેરમાર્કેટમાં રોકાણ કરી 22% રીફંડની લોભાણી લાલચ આપી : નાણાં મેળવી રફફુચકકર
-
સ્પેશ્યલ સ્કવોડે દંપતીને કર્ણાટકના હુબલીથી ઝડપી પાડ્યા
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ ટીમ દ્વારા છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પતિ-પત્નીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ આરોપીઓએ એન્જલ વન શેરમાર્કેટમાં ઉંચુ રોકાણ કરાવી 22 ટકા વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી 103 જેટલા લોકો પાસેથી 3 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે માટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પશ્ચિમના એસીપી રાધીકા ભારાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ- 406, 420, 120બી, તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ડીપોઝીટરની કલમ 3, 4 મુજબ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીઓને કર્ણાટક રાજયના હુબલી ખાતેથી ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ રાહુલ રણજીભાઇ સોની (ઉ.વ.29) અને તેની પત્ની અદીતી રાહુલ સોની (ઉ.વ.24) દ્વારા એન્જલ વન શેરમાર્કેટના નામે ઉંચુ રોકાણ કરી 22 ટકા જેટલુ રીફંડ મળે તેવી લોભાણી લાલચ આપી અલગ અલગ 103 જેટલા લોકોના આશરે રૂપિયા 3 કરોડ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી.
આરોપીઓએ લોકોને કરાવેલા રોકાણ કે વળતર પૈકી એકપણ રકમ આપી ન હતી અને તેઓ રાજકોટથી નાસી છૂટતા ભોગબનનાર લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી. જે બાદ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા તપાસ ચાલુ હતી. દરમિયાન બાતમી મળતા આરોપીઓને ઝડપી પાડી તેના 8 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા મહિનામાં 22 ટકા વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ વિશ્વાસ કેળવવા માટે લોકોને રેગ્યુલર ત્રણ ચાર મહિના સુધી દર 15 દિવસે વળતર આપી દેતા હતા. જેના કારણે આગળ આ અન્ય લોકો સાથે વધુ રકમ મેળવી શકે અને વધુ લોકોને પોતાની ઝાળમાં ફસાવી શકે. હાલની તપાસમાં પ્રથમ 53 લોકોએ સાથે મળી ફરિયાદ કરી હતી. આ પછી આજદિન સુધી 103 લોકોએ રૂપિયા ગુમાવ્યાનું સામે આવ્યું છે જેની પાસેથી કુલ 3 કરોડ 29 હજાર પડાવ્યાનું સામે આવ્યું છે. આ રકમ હજુ વધી શકે તેમ છે માટે જ્યારે કોઈ લોકો આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક આવેલ વેસ્ટ ગેઇટ કોમ્પ્લેક્ષમાં પોતાની ઓફિસ બનાવી હતી અને ત્રણથી ચાર મહિનામાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી આરોપીઓ ઓફિસ બંધ કરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યો નથી પરંતુ તેઓની સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ? અત્યાર સુધી ક્યાં ક્યાં વિસ્તારમાં નાસ્તા ફરતા હતા તેમજ બીજી કોઈ જગ્યાએ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.