ટીપીના અનામત પ્લોટ પર અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદે ખડકાયેલા 19 બાંધકામોનું ડિમોલીશન: રૂ.41.25 કરોડની જમીન ખૂલ્લી કરાવાય
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટીપી સ્કિમ હેઠળ અલગ-અલગ હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.1માં રૈયા રોડ પર બાપા સિતારામ ચોકમાં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા સાત મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના અંતિમ ખંડ નં.2/વી રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે રામેશ્ર્વર ડેરીની સામે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ટર હેતુ માટેના 484 ચોરસ મીટર માટેના પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલા સાત મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીપીનો કાફલો ઘંટેશ્ર્વરમાં વર્ધમાન નગરમાં ત્રાટક્યો હતો. અહિં ટીપી સ્કિમ નં.36/3 ઘંટેશ્ર્વર-પરા પીપળીયાના અંતિમ ખંડ નં.34/3 અને 34/4ને લાગૂ 18 મીટરના ટીપી રોડ પર ખડકાયેલી ચાપાણીયાની દિવાલ તોડી પાડવામાં આવી હતી. વોર્ડ નં.9માં પાટીદાર ચોકમાં પામ યુનિર્વસની પાછળ ટીપી સ્કિમ નં.16 (રૈયા)ના અંતિમ ખંડ નં.60/એ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટેના 1238 ચોરસ મીટરના પ્લોટ પર ખડકાયેલી એક ઝુંપડી, રેલનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.19 (રાજકોટ)ના અંતિમ ખંડ નં.18/એના 1616 ચોરસ મીટરના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લોટ પરથી એક ચબૂતરો અને ગાર્ડનીંગનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અંતિમ ખંડ નં.8/બીના 2117 ચોરસ મીટરના પ્લોટ પરથી એક ચબૂતરો અને એક પાણીનો અવેડો, વોર્ડ નં.18માં વિરાણી અઘાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ટીપી સ્કિમ નં.13 (કોઠારિયા)ના અંતિમ ખંડ નં.25/બીના બગીચા હેતુના 715 ચોરસ મીટરના પ્લોટ પર એક ચબૂતરો અને ઓટલાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે અંતિમ ખંડ નં.18/એના પાર્કિંગ હેતુ માટેના 1443 ચોરસ મીટરના પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલ એક ગેરેજ, એક કાર, સર્વિસ સ્ટેશન, એક ઓરડી અને પ્લીંથ લેવલ સુધીનું બાંધકામ દૂર કરી 41.25 કરોડની બજાર કિંમતની 7613 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.