Rajkot : અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી. તેમાં સુવર્ણભુમી સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ સાથે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તેમણે તરત જ સ્થળ મુલાકાત લઇ અહીં બુટલેગરોનાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી. જે અંતર્ગત આજે RMC દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા હતા. જો કે, સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલેશન કામગીરી અટકાવી હતી. આ કામગીરી અટકાવતા પૂર્વ MLA સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કાયદેસર મકાન હોવા છતાં કાર્યવાહી કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ
મળતી માહિતી મુજબ સવારે 8:30 કલાકે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જો કે, મનપાની ટીમો દોઢ કલાક મોડી પહોંચતા પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ અગાઉથી નોટિસ પણ અપાઈ હોવાથી સ્થાનિકોએ પોતાના ઘરનો સામાન પણ પહેલાથી જ બહાર મૂકી દીધો હતો. જો કે આ મકાનો કાયદેસર હોવા છતાં તંત્ર દ્વારા ટીપીમાં ફેરફાર કરી તેના મકાનો દૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. અને આ ડીમોલેશન અટકાવવાની ફરજ પડી હતી.