અસહકાર આંદોલન ચલાવવાનો નિર્ણય: ઓનલાઈન પ્લાન પાર્સીંગ સિસ્ટમ પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ દુર ન થાય ત્યાં સુધી ઓફલાઈન પ્લાન સ્વીકારવા અને સોફટવેર કંપની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગણી
ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં બિલ્ડીંગ પ્લાન મંજુર કરવા માટે ઓનલાઈન પ્લાન પાસીંગ સિસ્ટમની અમલવારી કરવામાં આવી છે પરંતુ આ સિસ્ટમમાં અનેક ક્ષતિઓ હોવાના કારણે રાજયભરમાં ૪ હજારથી વધુ બિલ્ડીંગ પ્લાન હજી મંજુર થઈ શકયા નથી.
ક્રેડાઈ દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં અવરોધ અને ત્રુટીઓ દુર થતી નથી ત્યારે આજે રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન પાર્સીંગ સિસ્ટમનો બહિષ્કાર કરવાનો તથા અસહકાર આંદોલન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે આરબીએ દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
રાજકોટ બિલ્ડર એસોસીએશનના ચેરમેને સ્મિત કનેરીયા, પ્રમુખ પરેશ ગજેરા અને મંત્રી સુજીત ઉદાણી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજયમાં બાંધકામોના પ્લાન પાસ કરાવવામાં સરળતા અને પારદર્શકતા રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગત ૭મી મે થી ઓનલાઈન પ્લાન પાસીંગ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.
આ અભિગમ ખરેખર આવકારદાયક છે પરંતુ પાંચ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં પ્લાન પાસ કરવાની પ્રક્રિયા ગોકળગાયની જેમ ચાલી રહી છે. ઓનલાઈન પરવાનગી માટે મુકેલી ફાઈલોનો નિવેડો આવતો નથી. ઓનલાઈન પ્લાન પાસ થતા નથી અને ઓફલાઈન પ્લાન સ્વિકારવામાં આવતા નથી જેના કારણે રાજયમાં બાંધકામ ઉધોગની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે.
આ અંગે વારંવાર ગુજરાત સરકારને રજુઆત કરવા છતાં કોઈ નકકર ઉકેલ આવ્યો નથી. સરકાર અને સોફટવેર તૈયાર કરનાર એજન્સી વચ્ચે સંકલનનો અભાવ છે જેના કારણે બાંધકામ ઉધોગને મોટું નુકસાન જઈ રહ્યું છે અને સરકારે કરોડો પિયાની આવક ગુમાવવી પડે છે.
તેઓએ ઉમેર્યું હતું કે, ઓનલાઈન પ્લાન પાર્સિંગ સિસ્ટમના કારણે રાજયમાં અંદાજીત ૪ હજાર જેટલા પ્રોજેકટસના પ્લાન પાસ થયા નથી જે દર્શાવે છે સોફટવેરમાં કેટલી ક્ષતી રહેલી છે. ક્રેડાઈ ગુજરાતે ઓનલાઈન પ્લાન પાર્સીંગ પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓના નિરાકરણ અંગે લેખિતમાં અને બેઠકોમાં વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવતા રાજકોટ બિલ્ડર એસોસીએશનને સંયુકતપણે ઓનલાઈન પ્લાન પાર્સીંગ સિસ્ટમનો બહિષ્કાર કરવાનો તથા અસહકાર આંદોલન ચલાવવાનો નિર્ણય લીધો છે.
જયાં સુધી ઓનલાઈન પ્લાન પાર્સીંગ પ્રક્રિયાની તુટીઓ દુર ન થાય ત્યાં સુધી ઓફલાઈન પ્લાન પાસ કરવાની પ્રક્રિયા શ કરવા અને સોફટવેર કંપની પર એફઆઈઆર દાખલ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા પારદર્શકતા લાવવા અને વિકાસ પ્રક્રિયાને ઝડપથી વેગ મળે તેવા આશ્રય સાથે પ્રયાસો કર્યા છે પરંતુ સોફટવેર કંપનીના પાપે રાજયભરમાં બિલ્ડરો હેરાન થઈ રહ્યા છે.