અબતક, રાજકોટ
સિવિલ હોસ્પિટલ ચોકમાં ગત મધરાતે બ્રિજના કોન્ટ્રાક્ટરે 500 એમ.એમ.ની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જી દેતા આજે વોર્ડનં.3ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાઇ જવા પામી હતી. આડેધડ જેસીબી ચલાવવાના કારણે પાઇપલાઇન જમીન નીચે બેસી જવા પામી હતી. અનેક વિસ્તારોમાં 15 કલાક પાણી વિતરણ મોડું થતા ભારે દેકારો બોલી ગયો હતો. રીપેરીંગની કામગીરી રાતો-રાત શરૂ કરી દેવામાં આવી હતી. ખુદ મ્યુનિ. કમિશનર અમિત અરોરા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રીપેરીંગની કામગીરીને વેગવંતી બનાવી હતી.
આડેધડ જેસીબી ચલાવવાના કારણે 500 એમ.એમ.ની પાઇપલાઇનમાં ભંગાણ:
અનેક વિસ્તારોમાં વિતરણ 15 કલાક મોડુ: ખુદ મ્યુનિ. કમિશનર ઘટનાસ્થળે દોડી ગયા
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન ગઇકાલે રાતે બ્રિજના કોન્ટ્રાક્ટરના માણસોએ બેદરકારીથી જેસીબી ચલાવતા 500 એમ.એમ.ની પાઇપલાઇન નીચેથી માટીનો જથ્થો ઉપાડી લેવા 30 ફૂટ જેટલી લાંબી પાઇપલાઇન જમીન પર ધરાશાઇ જવા પામી હતી. લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જાણે રાજમાર્ગો પર નદીઓ ચાલવા માંડ્યું હોય તેવું લાગતું હતું. પાઇપલાઇન રીપેરીંગનું કામ રાતોરાત ચાલું કરી દેવામાં આવ્યું હતું.
પાણી વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. હજી રીપેરીંગની કામગીરી ચાલું છે. 90 ટકા વિસ્તારોમાં પાણીનું વિતરણ નોર્મલ રીતે ચાલી રહ્યું છે. વોર્ડ નં.3માં જંક્શન પ્લોટ, જ્યુબીલી ચોક, મોશ્ર્લી લાઇન, લોહાણાપરા, બેડીનાકા અને નરશંગ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે. આ તમામ વિસ્તારોમાં રાત્રે પાણી વિતરણ કરવામાં આવે તેવી પ્રયાસો હાલ ચાલી રહ્યું છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરા સિવિલ હોસ્પિટલ ચોકની રૂબરૂ મુલાકાત લીધી હતી અને રિપેરીંગની કામગીરી ઝડપી કરવા માટે તથા તાત્કાલીક અસર વ્યવસ્થા નોર્મલ કરવા માટે સૂચના આપી હતી.