- શહેરના પ્રથમ નીચે અન્ડરબ્રિજ ઉપર ઓવરબ્રિજ હોય તેવી આઇકોનિક બ્રિજની ડિઝાઇન તૈયાર: સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપ્યા બાદ ટેન્ડર પ્રસિધ્ધ કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે: 135 કરોડના ખર્ચે બનનારા બ્રિજ માટે રાજ્ય સરકાર પાસે કોર્પોરેશન દ્વારા મંગાશે ગ્રાન્ટ
- કાલાવડ રોડ ટુ કાલાવડ રોડ ઓવરબ્રિજ જ્યારે ઘંટેશ્ર્વર ટુ ગોંડલ રોડ અન્ડરબ્રિજનું નિર્માણ થશે: વચ્ચેના ભાગમાં વાહનની અવર-જવર માટે રસ્તો પણ રખાશે
ન્યૂ રાજકોટના પ્રવેશદ્વાર ગણાતી કટારિયા ચોકડીએ શહેરનો પ્રથમ આઇકોનિક બ્રિજ બનાવવાની જાહેરાત મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે. કટારિયા ચોકડીએ નીચે અન્ડરબ્રિજ અને ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત વચ્ચે પણ વાહનોની અવર-જવર માટે રસ્તો રાખવામાં આવશે. આઇકોનિક બ્રિજની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપ્યા બાદ કટારિયા ચોકડી બ્રિજ માટે ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની તમામ કામગીરી હાથ પર લેવામાં આવશે.
આ અંગે કોર્પોરેશનના ટોચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટનો વિસ્તાર અને વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન સતત વકરી રહી છે. કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ રાજમાર્ગો અને સર્કલ પર અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ન્યૂ રાજકોટના પ્રવેશદ્વાર ગણાતા કટારિયા ચોકડીએ શહેરના પ્રથમ આઇકોનિક બ્રિજની ઘોષણા વર્ષ-2024-2025માં કરવામાં આવી છે અને આ કામ માટે બજેટમાં 135 કરોડની માતબર જોગવાઇ પણ કરવામાં આવી છે.
કટારિયા ચોકડીએ ચારેય બાજુ સતત દિવસ દરમિયાન ટ્રાફિક રહેતો હોય અહિં શહેરનો પ્રથમ આઇકોનિક બ્રિજ બનશે. જે ખરેખર અદ્ભૂત હશે. કારણ કે અહિં ઓવરબ્રિજ ઉપરાંત અન્ડરબ્રિજ પણ બનાવવામાં આવશે. કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ તરફ એટલે કે કાલાવડ રોડ ટુ કાલાવડ રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેની નીચે ઘંટેશ્ર્વરથી ગોંડલ રોડ તરફ અન્ડરબ્રિજ બનાવવામાં આવશે. ઓવર અને અન્ડરબ્રિજની વચ્ચે એક રસ્તો રાખવામાં આવશે. જેના પરથી પણ વાહનચાલકો સરળતાથી અવર-જવર કરી શકશે.
આઇકોનિક બ્રિજની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં પદાધિકારીઓ સમક્ષ આ ડિઝાઇન રજૂ કરી દેવામાં આવશે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં કટારિયા ચોકડી આઇકોનિક બ્રિજ માટે માતબર 135 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી અપાયા બાદ બ્રિજના નિર્માણ માટે ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય આવામાં આ આઇકોનિક બ્રિજ માટે થનારો 135 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે માંગવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પણ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં બ્રિજ બનાવવા માટે માતબર 550 કરોડ રૂપિયાની જોગવાઇ બજેટમાં કરી છે.
શહેરમાં હાલ એકપણ સર્કલ કે રાજમાર્ગ પર નીચે અન્ડરબ્રિજ અને ઉપર ઓવરબ્રિજ નથી. માધાપર સર્કલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં અહિં અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા પ્રથમવાર શહેરમાં અન્ડરબ્રિજ ઉપર ઓવરબ્રિજ બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે.
પીડીએમ ફાટક બ્રિજની ડિઝાઇન પણ તૈયાર: પ્રોજેક્ટ પડકારજનક
શહેરના ગોંડલ રોડ પર પીડી માલવીયા કોલેજ સામે આવેલા રેલવે ફાટક પર સતત ટ્રાફિકજામની સમસ્યા રહે છે. સેન્ટ્રલ રાજકોટના મુખ્ય બે રાજમાર્ગોને આ રેલવે ફાટક જોડતું હોવાના કારણે દિવસ દરમિયાન ગમે ત્યારે પસાર થાય ત્યારે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. પીડીએમ કોલેજ રેલવે ફાટક પાસે એસ કે ઝેડ આકારનો અન્ડરબ્રિજ બનાવવા માટે ડિઝાઇનો તૈયાર કરવામાં આવી છે. જો કે, આ પ્રોજેક્ટ થોડોક પડકારજનક છે. કારણકે એસ કે ઝેડ આકારની ડિઝાઇનનો બ્રિજ બનાવવાનો ખર્ચાળ અને સમય અવધિ માંગી લે તેવો છે. આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર પાસે રેલવે ફાટકમુક્ત ગુજરાત અંતર્ગત ગ્રાન્ટ માંગવામાં આવશે. હાલ શહેરમાં ભલે એકપણ બ્રિજનું કામ ચાલુ ન હોય પરંતુ આગામી દિવસોમાં એકસાથે ત્રણથી ચાર બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે.