અબતક, રાજકોટ
કોરોનાની મહામારીના કારણે અંદાજે બે વર્ષ સિનેમા ઉદ્યોગ બંધ રહ્યા. કોરોનાના કારણે સિનેમા ઉદ્યોગને મોટો માર પડ્યો છે ત્યારે હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતા હવે તમામ ઉદ્યોગ ફરીથી શરૂ થયાં છે. સિનેમા ઉદ્યોગ પણ 100 ટકા કેપેસીટી સાથે ફરીથી શરૂ થયાં છે ત્યારે નવા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. કોરોનાથી કંટાળેલા લોકો ફિલ્મો જોવા થિયેટરો સુધી પહોંચ્યાં છે. રાજકોટમાં જાણીતી કોસ્મોપ્લેક્ષ થિયેટરમાં તમામ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ફરીથી શરૂ થયાં છે. જેમાં ફિલ્મ જોવા આવનાર તમામ લોકોને માસ્ક, સેનેટાઇઝ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે છે.
બે શો વચ્ચે એક કલાકનો ગેપ રાખી થિયેટરમાં સેનેટાઇઝ કરવામાં આવે છે. હવે લોકો પહેલાની જેમ હોંશે-હોંશ કોસ્મોપ્લેક્ષ થિયેટરમાં ફિલ્મ જોવા આવી રહ્યાં છે. વધુમાં કોસ્મોપ્લેક્ષના નિતિનભાઇ ટાંકએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જેટલો સમય થિયેટર બંધ રહ્યું તેનું ખૂબ જ મોટું નુકશાન વેઠવું પડ્યું હતું પરંતુ જ્યારથી સરકારની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે કે 100 ટકા કેપેસીટીથી થિયેટર શરૂ થતાં જે નુકશાની થઇ છે તેની ભરપાઇ નજીકના સમયમાં જ થશે. એટલું જ નહિં લોકોને આર્થિકની સાથેસાથે ઘણી નુકશાની પણ વેઠવી પડી છે, જેનાથી તેઓ ધીરેધીરે બહાર આવી રહ્યાં છે.
થિયેટરમાં ફિલ્મ જોવાની મજા જ કાંઇક જુદી છે: અમીબેન કુંકડિયા
‘અબતક’ સાથેની વાતચિત અમીબેન કુંકડિયાએ જણાવ્યું હતું કે મને મૂવી જોવાનો ખૂબ જ શોખ છે. હું મારા ગમતાં ફિલ્મ જોવા થિયેટરમાં અચુક જાવ છું. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સિનેમાગૃહો બંધ હતા તે સમયે ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થતી પરંતુ થિયેટર જેવી મજા ઓટીટી પ્લેટફોર્મ પર ન આવી શકે. ત્યારે ઘણા લાંબા સમય બાદ ફરીથી થિયેટરો શરૂ થયાં છે. પહેલા 50% કેપેસીટી સાથે શરૂ થયા હતાં. હવે 100% કેપેસીટી સાથે શરૂ થયાં છે. લોકો મિત્રો, ફેમિલી સાથે ફિલ્મ જોવા હોંશે-હોંશે આવી રહ્યાં છે. કોરોના ફરી પાછો ન આવે તે માટે તકેદારી રાખીએ છીએ અને કોસ્મોપ્લેક્ષમાં પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન, સેનેટાઇઝ સહિતની કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મિત્રો સાથે ઘણા લાંબા સમય બાદ ફિલ્મ જોઇ આનંદ થયો: રાજ પટેલ
‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન રાજ પટેલએ જણાવ્યું હતું કે ફિલ્મ જોવાની મજા થિયેટરોમાં જ આવે. કોરોનાની મહામારીના કારણે બે વર્ષની સિનેમાગૃહો બંધ હતાં ત્યારે ફરીથી શરૂ થતાં હું મારા મિત્રો સાથે સુર્યવંશી ફિલ્મ જોવા આવ્યો છું. કોસ્મોપ્લેક્ષમાં ચાલનાર તમામને માસ્ક, સેનેટાઇઝ કરી અંદર મોકલવામાં આવે છે તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવે છે. અમે લોકો પણ પૂરતી કાળજી રાખીએ છીએ. કારણ કે હવે ઘણા લાંબા સમય બાદ ફરીથી બધું શરૂ થયું છે. તેથી તકેદારી સાથે મજા માણીએ છીએ.
છૂટછાટ તો મળી છે ત્યારે હજુ પણ તકેદારી રાખીશું: નીતિનભાઇ ટાંક
‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન કોસ્મોપ્લેક્ષ થિયેટરના નિતિનભાઇ ટાંકએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે અંદાજે પોણા બે વર્ષથી સિનેમા બંધ હતાં. સરકારની ગાઇડલાઇન મુજબ પહેલા 50% કેપેસીટી સાથે સિનેમાગૃહો શરૂ કરવામાં આવ્યા હતાં. હવે 100% કેપેસીટી સાથે શરૂ કરેલ છે. અમારે ત્યાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન, હેન્ડ સેનીટાઇઝેશન કરાવીએ છીએ. હવે થિયેટરમાં લોકો આવતા થયાં છે. કોરોનાની તકેદારી રાખીને લોકો આવી રહ્યાં છે. અમારા માટે ખૂબ જ આનંદની કહેવાય. કે ઘણા લાંબા સમય બાદ પહેલા જેવી સ્થિતિ થઇ છે. લોકો પણ હવે તકેદારી રાખતા થયાં છે એ ખૂબ જ સારી બાબત કહેવાય.