કોર્પોરેટર પદે ચાર વખત ચૂંટાયા બાદ દરેક વખતે પક્ષે વિશ્ર્વાસ મુકતા ખુરશી આપી: મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા એમ ચારેય મહત્વપૂર્ણ પદ પર રહ્યા: પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ તરીકે પણ કમળને મજબૂત બનાવવા કરેલી કામગીરી ઉગી નીકળી
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આજે 182 બેઠકો પૈકી 160 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. રાજકોટની ચારેય બેઠકો માટે નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ પર ભાજપનો વિશ્ર્વાસ અઢી દાયકા બાદ પણ યથાવત છે. સાથોસાથ વધુ અડીખમ બન્યો છે. તેઓને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી મંત્રી અરવિંદ રૈયાણીના સ્થાને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણી ઉદયભાઇ કાનગડ 1995માં લડ્યા હતા. પ્રથમ ટર્મમાં જ પક્ષે તેઓ પર વિશ્ર્વાસ મૂક્યો હતો અને 1996-97ની ટર્મમાં મેયર બનાવ્યા હતા ત્યારે મેયર પદની સમય અવધિ એક વર્ષની હતી. ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનાવાનું બહુમાન તેઓને પ્રાપ્ત થયું હતું. એક વર્ષ પછી જ્યારે મેયર પદની સમય મર્યાદા પૂર્ણ થઇ ત્યારે ભાજપે તુરંત જ ઉદયભાઇને શાસક પક્ષના નેતા બનાવ્યા હતા. આવું બહુમાન હાંસલ કરનાર અત્યાર સુધીના તેઓ એકમાત્ર કોર્પોરેટર છે. 2001થી 2005 સુધીની ટર્મમાં કોંગ્રેસના શાસન દરમિયાન તેઓએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2005ની કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ ફરી ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડ્યા હતા અને તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા.
આ ટર્મમાં તા.21/12/2006 થી તા.22/12/2007 સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 2010 થી 2015 સુધીની ટર્મમાં તેઓ ફરી એક વખત વોર્ડ નં.14માંથી ભાજપના નગરસેવક તરીકે ચૂંટાયા હતા. આ ટર્મમાં પણ પક્ષે તેઓના પર વિશ્ર્વાસ મુક્યો હતો અને તા.10/06/2014 થી તા.14/12/2015 સુધી એમ સળંગ દોઢ વર્ષ સુધી ડેપ્યૂટી મેયરની જવાબદારી સોંપી હતી. એક વખત મેયર પદે રહ્યા બાદ પક્ષે દોઢ દાયકા બાદ ડે.મેયર પદ સોંપવાનો નિર્ણય લીધો છતાં ઉદયભાઇએ હસતા મોંઢે આ નિર્ણયનો સ્વીકાર કરી લીધો હતો. 2015 થી 2020 સુધીની ટર્મમાં તેઓ ફરી નગરસેવક તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન પક્ષે વધુ એક વખત તેઓ પર વિશ્ર્વાસ મૂક્યો હતો અને તા.15/06/2018 થી તા.13/12/2020 સુધી એમ અઢી વર્ષ માટે ફરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મહત્વપૂર્ણ પદ સોંપ્યુ હતું.
2021ની મહાપાલિકાની ચૂંટણીમાં તેઓએ સામેથી નહી લડવાની ઘોષણા કરી હતી. જો કે, પક્ષ દ્વારા ટિકિટની ફાળવણી માટે નક્કી કરવામાં આવેલા નિતિ-નિયમોના કારણે તેઓ આમ પણ ચૂંટણી લડી શકે તેમ ન હતા. જો કે તેઓ ચૂંટણી ન લડવાની જાહેરાત મહિનાઓ અગાઉ કરી દીધી હતી. સતત અઢી દાયકાથી ભાજપ સાથે જોડાયેલા ઉદયભાઇ અનુભવનો લાભ સંગઠનને પણ મળે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે ઉદયભાઇની વરણી કરવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી તેઓ આ જવાબદારી નિભાવી રહ્યા છે. બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે તેઓએ ઓબીસી સમાજમાં આવતી અલગ-અલગ તમામ જ્ઞાતિઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સ્નેહમિલન કરાવ્યા હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠા જોતા તેઓને પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કાપીને ઉદયભાઇ પર ભાજપે વિશ્ર્વાસ દર્શાવ્યો છે.