રાજકોટ એ સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર સંગઠનના મહારથી વિજયભાઈ રૂપાણીને સાઈડ લાઈન કરી દેવાતા કાર્યકરોમાં શૂન્યાવકાશ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વર્તમાન મંત્રી અરવિંદ રૈયાણી સહિત ભાજપ હાઇકમાન્ડે રાજકોટમાં ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી નાંખતા અડિખમ ગઢમાં પણ નિશ્ચિત જીતના ચાન્સ ઘટ્યા: જનતાના મતમાં સત્તા વિરોધી લહેરનો પણ સળવળાટ
ગુજરાતની ગાદી સુધી પહોંચવા માટે કોઇપણ રાજકીય પક્ષે સૌરાષ્ટ્ર જીતવું ખૂબ જ જરૂરી છે. જો સૌરાષ્ટ્ર ફતેહ કરવું હોય તો રાજકોટમાં જનાદેશ હાંસલ કરવો અતિ આવશ્યક છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક હથ્થુ શાસન કરતા ભાજપ માટે રાજકોટને પોલીટીકલી લેબોરેટરી માનવામાં આવે છે. અહીંનું સંગઠન માળખુ એટલુ મજબૂત છે કે અન્ય રાજ્યોના કાર્યકરો રાજનીતીના પાઠ ભણવા રાજકોટ આવે છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપ માટે થોડી કપરા ચઢાણ હોય તેવું લાગી રહ્યું છે.
અભેધ કિલ્લા સમાન રાજકોટમાં પણ ભાજપ માટે થોડા કપરા ચઢાણ છે. રાજકોટની ચારેય બેઠકો પર ભાજપ હાઇકમાન્ડે સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફેરવી દીધી છે. જેના કારણે કાર્યકરોમાં વધતા ઓછા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. એન્ટી ઇન્કમલન્સીનો ડર પણ પક્ષને સતાવી રહ્યો છે. શહેરની ચાર બેઠક પૈકી બે બેઠકો પર હાલ ભાજપની સ્થિતિ પ્રમાણમાં થોડી નબળી છે. જો રાજકોટમાં ભાજપનો અભેધ કિલ્લો તૂટશે તો સૌરાષ્ટ્રમાં પણ કમળની પાંખડીઓ વેર વિખેર થઇ જશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
જનસંઘના સમયથી રાજકોટ શહેરને ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આજે ભારતભરમાં ભાજપનો સુરજ મધ્યાહન તપી રહ્યો છે. તેનો ઉદય રાજકોટ શહેરથી થયો હતો તેમ કહેવામાં આવે તો પણ જરા અમસ્તી પણ અતિશિયોક્તી નથી. ભાજપ માટે તો રાજકોટ એક પોલીટીકલી લાયબ્રેરી છે. કોઇપણ પ્રકારના પ્રયોગ કરવામાં આવે પરિણામ હમેંશા પક્ષના ફાયદામાં આવે છે.
2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થયા અને ધારાસભ્ય બનવા માટે તેઓએ ચૂંટણી લડવાની જરૂરીયાત પડી ત્યારે તેઓએ ગુજરાતની 182 બેઠકો પૈકી ભાજપ માટે સૌથી સલામત એવી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક (તે સમયે આ બેઠક રાજકોટ-2 તરીકે ઓળખાતી હતી) તેના પર મીટ માંડી હતી. વજુભાઇ વાળાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી નરેન્દ્રભાઇ માટે આ સીટ ખાલી કરી દીધી હતી. આજે વૈશ્ર્વિક લીડર બની ગયેલા નરેન્દ્રભાઇ મોદી પોતાના જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ શહેરમાંથી લડ્યા હતા.
રાજકોટને ભાજપનો ગઢ એટલા માટે પણ ગણવામાં આવે છે કે અહીં મહાપાલિકામાં છેલ્લા 50 વર્ષમાં 45 વર્ષ ભાજપે રાજ કર્યું છે અને હજી કરી રહ્યું છે. વિધાનસભાની ચારેય બેઠકો હાલ કમળના ભાથામાં છે. લોકસભાની બેઠક પણ ભાજપ પાસે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપે એક નવો જ પ્રયોગ રાજકોટમાં કર્યાં છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી, છેલ્લી ત્રણ ટર્મથી દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટાતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ટિકિટ પર કાતર ફેરવી દીધી છે. એટલું જ નહી પ્રથમ વખત શહેરની ચાર વિધાનસભાની બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. શહેરની ચાર વિધાનસભા બેઠકો માટે ભાજપે પાટીદાર, સવર્ણ, ઓબીસી અને દલિત એમ ચારેય સમાજને ટિકિટ આપી ખરેખર નયનરમ્ય ડિઝાઇન બનાવી છે.
રાજકોટ પૂર્વ બેઠક પરથી પૂર્વ મેયર ઉદય કાનગડને, રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી પાટીદાર અગ્રણી રમેશભાઇ ટીલાળા અને એસ.ટી. કેટેગરી માટેની અનામત એવી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. ચાર-ચાર સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી નાંખવામાં આવતા રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.
સતત વધતી મોંઘવારીથી ગૃહિણીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. લાખો રૂપિયા ખર્ચી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ નોકરી ન મળવાના કારણે બેરોજગાર યુવાનો મનોમન સળગી રહ્યા છે. જીએસટીની અયોગ્ય અમલવારીથી વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. રાજકોટની ચારેય બેઠકો જાળવી રાખવી ભાજપ માટે એક મોટા પડકારથી કશું જ ઓછું નથી. હજી મતદાનને આડે એક સપ્તાહનો સમય બાકી છે. આજની વાત કરવામાં આવે તો રાજકોટમાં ચાર પૈકી બે બેઠકો પર ભાજપનું ચિત્ર થોડુ-ઘણુ ધુંધળુ દેખાય રહ્યું છે.
આ વખતે ભાજપ સામે માત્ર કોંગ્રેસ જ નહી આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ભાજપે તમામ મોરચે લડવાનું છે. સૌરાષ્ટ્રમાં કમળ માટે હાલની સ્થિતિ ભરેલા નાળીયેર જેવી છે. રાજકોટમાં પણ સ્થિતિ થોડી ચિંતાજનક છે. આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ અને જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓની ચૂંટણી સભા બાદ ચિત્ર થોડુ-ઘણું ફરશે તેવું મનાય રહ્યું છે. પરંતુ આ વખતે ભાજપ આરામથી રાજકોટની ચારેય બેઠકો જીતી જશે તેવો માહોલ નથી.
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હમેંશ એપી સેન્ટર રહ્યું છે. રાજકોટને માત્ર ચાર વિધાનસભાની બેઠક પુરતું જોવાતું નથી. પરંતુ સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે ધરી છે. છેલ્લા 35 વર્ષથી સૌરાષ્ટ્રના રાજકારણમાં સંગઠનના મહારથી વિજયભાઇ રૂપાણીનો એક અલગ પ્રકારનો દબદબો રહ્યો છે. કોઇ કારણ વિના ભાજપ હાઇકમાન્ડે માત્ર એક વ્યક્તિનો અહંમ સંતોષવા માટે વિજયભાઇ રૂપાણીને મુખ્યમંત્રીની ગાદી પરથી અચાનક ઉઠાવી ભૂપેન્દ્રભાઇ પટેલને બેસાડી દીધા હતા.
આ વાત ભાજપના કાર્યકરો આજની તારીખે પણ સ્વીકારી શક્યા નથી. સૌરાષ્ટ્રના એક-એક ગામની રાજકીય તાસીરથી વિજયભાઇ સારી રીતે પરિચીત છે. પરંતુ આ વખતે તેઓને સાઇડમાં કરી દેવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં ભાજપમાં એક હથ્થુ શાસન છે. નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ હાલ પેટ ભરીને પસ્તાય રહ્યું છે. છતા હાઇ કમાન્ડ હજી ગુજરાતમાં એક વ્યક્તિને વધુ મહત્વ આપી રહ્યા છે. જેના માઠા પરિણામ પણ આવી શકે છે.
હાલ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ભરેલા નાળીયેર જેવી સ્થિતિ છે. અડિખમ ગઢ ગણાતા રાજકોટ શહેરની પણ ચાર બેઠકો પર ભાજપ માટે હાલ કપરા ચઢાણ છે. વિજયભાઇને સાઇડ લાઇન કરી દેવામાં આવતા ભાજપના પાયાના કાર્યકરો આ વાત મનથી સ્વીકારવા તૈયાર નથી. જેની અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર પડી શકે છે.
જો ગુજરાતમાં પરિણામ ધાર્યું ન આવે તો માત્ર ભાજપે જ નહી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ નુકશાની વેઠવી પડે. લોકસભાની ચૂંટણીમાં પણ તેની વિપરિત અસર થાય. થોડા દિવસો પહેલા ગુજરાતમાં ભાજપ એટલે અમે જ એવું માનનારા નેતાઓના મોંઢા હવે પીળા પડી રહ્યા છે. પરિણામની ચિંતામાં ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરચો સંભાળી લીધો છે. ભાજપના ગઢ રાજકોટમાં ભાજપની ધરા રિતસર ધ્રૂજી રહી છે. જે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ લાવશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.