રાજકોટ મનપાના આ વર્ષના પ્રથમ જનરલ બોર્ડની જ શરૂઆત હોબાળાથી થઇ હતી. મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થામાં મનપાના જનરલ બોર્ડમાં પાણી પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. પાણીનો પ્રશ્ન ઉઠતા ભાજપે કહ્યું કે કોંગ્રેસના રાજમાં શહેરમાં પાણી માટે કોઇ કામગીરી થઇ ન હતી પરંતુ ભાજપની સત્તા આવતા જ શહેરમાં સૌની યોજના જેવી અનેક યોજના થકી શહેરમાં પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં વર્તમાન ટર્મની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં નગરસેવકો પોતાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના 12 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં 22 પ્રશ્ન રજુ કર્યા છે. તો સામાપક્ષે કોંગ્રેસના તમામ ચારેય નગરસેવકોએ 11 પ્રશ્નો મૂક્યા છે.
તો કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ મોઢા પર બેનરનું માસ્ક પહેરી અનોખી રીતે વિરોધ કર્યો હતો, આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે ‘મોદી સાહેબ રાજકોટના નેતાને પુછો કે કોરોનામાં ક્યાં ગયા હતા’. બેનર થકી વિપક્ષ દ્વારા સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયાએ કહ્યું કે લોકોએ તમને ચૂટીને મોટી ભૂલ કરી છે. જો કે સામાપક્ષે બહુમતી ધરાવતા સત્તાપક્ષ વિવિધ દરખાસ્તો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.