દુર્ગાબા જાડેજા, ડો.દર્શિતાબેન શાહ, મનિષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, પરેશભાઈ પીપળીયા, દેવુબેન જાદવ, પુષ્કરભાઈ પટેલ, જ્યોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર, નીતિન રામાણી, વર્ષાબેન રાણપરા અને અનિતાબેન ગૌસ્વામીને ફરી ટિકિટ અપાઈ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપે આજે બપોરે શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે એક સાથે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. ગત ટર્મમાં વિજેતા બનેલા ૪૦ પૈકી ૧૨ કોર્પોરેટરોને જ રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૮ નગરસેવકોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ભાજપે વોર્ડ નં.૧માંથી મેદાનમાં ઉતાર્યા છે. શિક્ષીત અને યુવા ચહેરાઓને વધુ તક આપવામાં આવી છે. ગત ટર્મમાં જે આગેવાનોની ટિકિટ કોઈ કારણોસર કાપવામાં આવી હતી તેને આ વખતે ભાજપે વધુ એક વખત તક આપી છે. જ્યારે ગત વખતે હારેલા ઉમેદવારોને પણ ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના તમામ ઉમેદવારો આવતીકાલે બપોરે ૧૨:૩૯ કલાકના શુભ વિજય મુહૂર્તે સૌપ્રથમ બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ વિજય વિશ્ર્વાસ સાથે ફોર્મ ભરશે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપમાં થોડો કચવાટ જોવા મળી ર્હયો છે. કપાયેલા નગરસેવકો અને સંભવિત છતાં ટિકિટ ન મળી હોય તેવા દાવેદારોના કાર્યકરો હવે રાજીનામુ આપવાના મુડમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
૬૦ વર્ષથી ઉપરના અને સતત ત્રણ કે તેથી વધુ ટર્મથી જીતેલા ૧૦ સિનિયરો ઉપરાંત અશ્ર્વિનભાઈ મોલીયા, બીનાબેન આચાર્ય, દલસુખભાઈ જાગાણી, મુકેશ રાદડીયા, રાજુભાઈ અઘેરા, અશ્ર્વિનભાઈ ભોરણીયા સહિતનાને ભાજપે ટિકિટ ન આપી
૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની ૮મી સામાન્ય ચૂંટણીમાં ભાજપ ૭૨ પૈકી ૩૮ બેઠકો જીતી સત્તાઢ થયું હતું. દરમિયાન બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી આ બન્ને બેઠકો ભાજપે આંચકી લીધી હતી અને પક્ષનું સંખ્યા બળ ૪૦એ પહોંચ્યું હતું. ભાજપે ગત ટર્મના સીટીંગ એવા ૪૦ પૈકી ૨૮ કોર્પોરેટરોની ટિકિટ કાપી છે જ્યારે માત્ર ૧૨ને રીપીટ કરવામાંં આવ્યા છે. જેમાં વોર્ડ નં.૧માંથી દુર્ગાબા જયદિપસિંહ જાડેજાને ફરી ટિકિટ આપવામાં આવી છે જ્યારે આ જ વોર્ડના સીટીંગ કોર્પોરેટર અંજનાબેન મોરજરીયાના પતિ ડો.અલ્પેશભાઈ મોરજરીયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નં.૨માં ભાજપે ચાર પૈકી ત્રણ કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ, મનિષભાઈ રાડીયા અને જયમીનભાઈ ઠાકરને મેદાનમાં ઉતારવા નિર્ણય લીધો છે. વોર્ડ નં.૪માં પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાની ટિકિટ કાપવામાં આવી છે. તેઓએ બે વોર્ડમાંથી ચૂંટણી લડવાની દાવેદારી કરી હતી છતાં તેઓને એક પણ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી નથી. તેઓના સાથીદાર પરેશ પીપળીયાને ફરી ભાજપે ટિકિટ આપી છે. વોર્ડ નં.૫માં આખી નવી પેનલ ઉતારવામાં આવી છે. ચારેય સીટીંગ કોર્પોરેટરોને ટિકિટ કાપી નાખવામાં આવી છે. ગત વર્ષે ભાજપની જીતનો મુખ્ય ફાળો જે વોર્ડનો રહ્યો હતો તે વોર્ડ નં.૬માં ચાર કોર્પોરેટર પૈકી માત્ર ૧ દેવુબેન મનસુખભાઈ જાદવને રીપીટ કરવામાં આવ્યા છે. શાસક પક્ષના પૂર્વ નેતા દલસુખભાઈ જાગાણી અને મુકેશભાઈ રાદડીયાની ટિકિટ કાપવામાં આવી છે. વોર્ડ નં.૭માં આખી નવી પેનલ જ ઉતારવામાં આવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપ વર્તમાન મહામંત્રી દેવાંગભાઈ માંકડને ટિકિટ આપવામાં આવી છે. કશ્યપભાઈ શુકલની ટિકિટ કાપી તેના નાના ભાઈ નેહલભાઈ શુકલને ટિકિટ આપી છે.
આ વોર્ડમાં જૈન સમાજે ટિકિટ માંગી હતી પરંતુ તેને ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૮માં પણ ભાજપે નવી જ પેનલને મેદાનમાં ઉતારી છે. જેમાં ગત વખત વોર્ડ નં.૧૩માંથી પરાજીત થયેલા અશ્ર્વિનભાઈ પાંભરને ફરી તેના મુળ વિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નં.૯માં પણ એકમાત્ર પુષ્કરભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ઉમેદવારો નવા મુકવામાં આવ્યા છે. વોર્ડ નં.૧૦માં પણ પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને સેનીટેશન સમીતીના પૂર્વ ચેરમેન અશ્ર્વિન ભોરણીયાની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી છે. એકમાત્ર જ્યોત્સનાબેન ટીલાળાને રીપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નં.૧૧માં પણ ભાજપે સંભવિતોની આશા વચ્ચે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. વોર્ડ નં.૧૨માં શહેર ભાજપ ઉપાધ્યક્ષ પ્રદિપભાઈ ડવને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નં.૧૩માં જયાબેન હરીભાઈ ડાંગર અને નીતિનભાઈ રામાણીને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં.૧૪માં પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડની સ્વૈચ્છીક નિવૃતિનો માંગણીનો પક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. અહીં એકમાત્ર વર્ષાબેન રાણપરાને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં.૧૫ અને ૧૬માંથી ગત વખતે એકપણ બેઠક ભાજપ જીત્યું ન હતું. અહીં વોર્ડ નં.૧૫માં નવી પેનલ મુકાઈ છે તો વોર્ડ નં.૧૬માં બે ટર્મ પૂર્વેના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે. વોર્ડ નં.૧૭માં અનિતાબેન ગૌસ્વામી રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે પૂર્વ ડે.મેયર વિનુભાઈ ઘવાને એક ટર્મના વિરામ બાદ ફરી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નં.૧૮માં ગત ટર્મમાં ભાજપ એકપણ બેઠક જીત્યું ન હતું. અહીં નવી પેનલ ઉતારવામાં આવી છે. આવતીકાલે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે.
વોર્ડ નં.૧માં મહિલા કોર્પોરેટરના પતિને ટિકિટ: અનેક જૂના માથાઓને ભાજપે ફરી ચૂંટણી જંગમાં ઉતાર્યા
ઉપલા કાંઠે મોટી ઉથલ-પાથલ: દેવાંગ માંકડ, બાબુભાઈ ઉધરેજા, અશ્ર્વિન પાંભર, નરેન્દ્રસિંહ વાઘેલા, કેતન પટેલ, નરેન્દ્ર ડવ, વિનુભાઈ ઘવાને એક-બે ટર્મના વિરામ બાદ ફરી મેદાનમાં ઉતારાયા
ભાજપે આજે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. જેમાં ૧૨ સીટીંગ કોર્પોરેટરોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૮ના નામો પર કાતર ફેરવી દેવામાં આવી છે. વોર્ડ નં.૧ના પૂર્વ કોર્પોરેટર અંજનાબેન મોરજરીયાના પતિ ડો.અલ્પેશભાઈ મોરજરીયાને ટિકિટ આપવામાં આવી છે તો અગાઉ એક બે ટર્મ પૂર્વે જેઓને એક યા બીજા કારણોસર ટિકિટ આપવામાં આવી ન હતી તેવા કેટલાક મોટા માથાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉપલા કાંઠે મોટી ઉથલપાથલ થવા પામી છે.
અહીં મુખ્ય ત્રણ વોર્ડ વોર્ડ નં.૪,૫ અને ૬માં ભાજપ પાસે કુલ ૧૦ બેઠક હતી તે પૈકી માત્ર ૨ કોર્પોરેટરને જ ફરી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાની ટિકિટ કપાઈ છે. ઉપલાકાંઠે માત્ર પરેશ પીપળીયા અને દેવુબેન જાદવને રીપીટ કરવામાં આવ્યા છે.
જે તે સમયે ભાજપના નગરસેવક રહી ચૂકેલા પરંતુ નવા સીમાંકન કે અનામતના કારણે જે લોકો કપાયા હતા તેને પણ ભાજપે ફરી ભરોસો મુક્યો છે. દેવાંગ માંકડ, બાબુભાઈ ઉધરેજા, અશ્ર્વિન પાંભર, નરેન્દ્રસિંહ વાઘેલા, કેતન પટેલ, નરેન્દ્ર ડવ, વિનુભાઈ ઘવાને ફરી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગત ટર્મમાં હારેલા કેટલાક ઉમેદવારો પર ભાજપે વધુ એકવાર વિશ્ર્વાસ વ્યકત કરતા તેઓને ટિકિટની ફાળવણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
માત્ર ૧૨ કોર્પોરેટરોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા નવા નિયમોમાં જેઓ બંધ બેસી ગયા હતા તેવા ૧૦ કોર્પોરેટરો ઉપરાંત અન્ય ૧૮ સહિત કુલ ૨૮ની ટિકિટ પર પક્ષે કાતર ફેરવી દીધી છે.
ભાજપે ૫ ડોકટર, ૨ એન્જિનીયર, ૧ પ્રોફેસર, ૩ પીએચડી અને ૪ માસ્ટર ડિગ્રી ધરાવતા શિક્ષીતોને આપી ટિકિટ
ભાજપે આજે શહેરના ૧૮ વોર્ડ માટે જે ૭૨ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ઉડીને આંખ વળગે તેવી વાત છે કે ભાજપે શિક્ષીત ઉમેદવારોની પસંદગી વધુ કરી છે. ૫ ડોકટર, ૩ પીએચડી થયેલા ઉમેદવાર, ૧ પ્રોફેસર, ૪ માસ્ટર ડિગ્રી ધારક અને એલએલબીની ડિગ્રી ધરાવતા ૩ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ડો.અલ્પેશભાઈ મોરજરીયા, ડો.દર્શિતાબેન શાહ, ડો.દર્શનાબેન પંડ્યા, ડો.રાજેશ્ર્વરીબેન ડોડીયા, ડો.મેઘાવીબેન સિંધવને ટિકિટ અપાય છે જ્યારે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા બીએ, એલએલબી સુધીનો અભ્યાસ ધરાવે છે. અલ્પાબેન દવે, બાબુભાઈ ઉધરેજા, નયનાબેન પેઢડીયા, અશ્ર્વિનભાઈ પાંભર, ભારતીબેન પાડલીયા, ચીતાબેન જોષી જેવા માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારની પસંદગી કરી છે. તો ડો.પ્રદિપભાઈ ડવ અને ડો.નેહલભાઈ શુકલ પીએચડીની ડિગ્રી ધરાવે છે. બીપીનભાઈ બેરા સિવિલ એન્જીનીયર અને ચેતનભાઈ સુરેશ બીઈ સિવિલ એન્જી.ની ડિગ્રી ધારક છે. આશાબેન ઉપાધ્યાય વીવીપી કોલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવી ર્હયાં છે. ટૂંકમાં ભાજપે શિક્ષીત ઉમેદવારો પર પસંદગીનું કળશ હોવાનું ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.
દેવાંગ માંકડ અને પ્રદિપ ડવ સંગઠનમાંથી રાજીનામુ આપશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ દ્વારા જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે સંગઠનમાં સ્થાન ધરાવતે હશે તો તેઓએ આ હોદા પરથી રાજીનામુ આપવી પડશે તેવી જાહેરાત અગાઉ જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરી દેવામાં આવી હતી. વોર્ડ નં.૭માંથી ભાજપે શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડને ટિકિટ આપી છે તો વોર્ડ નં.૧૨માંથી શહેર ભાજપ ઉપાધ્યક્ષ પ્રદિપભાઈ ડવને ટિકિટ આપવામાં આવી છે. આ બન્ને હોદ્દેદારો આજે સાંજે અથવા આવતીકાલે સંગઠનના હોદ્દેદાર પદેથી રાજીનામુ આપી દેશે.
ભાજપમાં પણ પરિવારવાદના લબકારા
ભાજપે આજે ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. તેમાં પરિવારવાદના લબકારા દેખાયા હતા. વોર્ડ નં.૭ના સીનીયર કોર્પોરેટર અને શહેર ભાજપના કદાવાર નેતા કશ્યપભાઈ શુકલ પક્ષે નક્કી કરેલા ક્રાઈટ એરીયામાં બંધ બેસતા હોવાના કારણે તેઓને ટિકિટ મળી શકે તેમ ન હોવાથી તેમના સ્થાને તેઓના નાના ભાઈ નેહલભાઈ શુકલને ટિકિટ આપવામાં આવી છે. તો વોર્ડ નં.૧માં અંજનાબેન મોરજરીયાની ટિકિટ કાપી તેમના તબીબ પતિ ડો.અલ્પેશભાઈ મોરજરીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરનાર હિરેનભાઈ લાભુભાઈ ખીમાણીયાને પણ ભાજપે ટિકિટ આપી છે. તો બીજી તરફ અનેક સીનીયરો દાવેદાર હોવા છતાં તેઓને ટિકિટ આપવામાં ન આવતા ભારે આશ્ર્ચર્ય ફેલાયું છે.