પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે લીધા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આર્શિવાદ
અબતક-રાજકોટ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આજે રાજકોટના મહેમાન બન્યાં છે ત્યારે તેને આવકારવા પાર્ટીના મહાનુભાવો એરપોર્ટ ખાતે પહોચી ગયા હતા. જો કે, નિયત સમય કરતા થોડા મોડા પહોંચેલા સી.આર. પાટીલને એરપોર્ટ ખાતે અદકેરૂં આવકાર આપવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ટાઇટ સેડ્યુલ વચ્ચે સી.આર. પાટીલ કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાતે ગયા હતાં. એકમેકની લાગણી અને ગુજરાતની પરંપરાની વાતો અને આપ-લે વચ્ચે વજુભાઇ વાળાએ સી.આર.પાટીલને પરંપરાગત આવકાર્યા હતાં.
આ તકે રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ હોવાની વાતો એ જ્યારે વેગ પકડ્યો છે અને ચોરે અને ચૌંટે ભાજપના બે જૂથો અંગેની ચાલી રહેલી ચર્ચાનું છેદ ઉડાડતા પત્રકારોને ભાજપમાં જૂથવાદ ન હોવાનું જણાવ્યું હતું.
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મંચ ઉપર જ ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો વચ્ચે તુતુ-મેમે ની ઘટનાએ ચકચાર મચાવી હતી. જેને લઇ શહેરમાં ઠેર-ઠેર ભારતીય જનતા પાર્ટીીમાં જૂથવાદનો જન્મ થયો હોય તેવું ચર્ચાઇ રહ્યુ હતું. આ બાબતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા વજુભાઇ વાળાને પૂછવામાં આવતા તેણે આ વાતનું ખંડન કર્યું હતું.
વાળાએ જૂથવાદ અંગે વધુ પ્રકાશ પાડતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય જૂથવાદ હતો જ નહીં અને આજ પણ નથી. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં જૂથવાદ અથવા તો ‘જૂથબંધી’ જેવું કંઇ જ નથી. ભારતીય જનતા પાર્ટીમાં તમામ કાર્યકર્તાઓ એક છે અને એક રહેશે. ભાજપમાં જૂથવાદ કહેનારાઓની કંઇક ગેરસમજ છે અને આવી ગેરસમજના કારણે તેઓ આવું બોલી રહ્યાં છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના જૂથવાદની વાતને હું સદંતર નકારૂં છું તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ તરીકે નિવૃત થયાં બાદ રાજકોટ ખાતે વસવાટ કરી રહેલા વજુભાઇ વાળાને ભાજપના પ્રથમ પંક્તિના તમામ નેતાઓ જ્યારે રાજકોટની મુલાકાતે આવે છે ત્યારે ચોક્કસ તેઓને મળવા જાય છે. તેઓ પક્ષ પ્રત્યે ખૂબ જ સમર્પિત કાર્યકર છે. આજે તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપમાં કોઇ જૂથવાદ નથી તેનો ખરો અર્થ કાઢવામાં આવે તો ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.