દેશના 508 રેલવે સ્ટેશનનો વડાપ્રધાનના હસ્તે ઈ-શિલાન્યાસ
સ્ટેશનપર ફુટ ઓવરબ્રીજ, પેસેન્જર લીફટ, ટ્રેનના ઈન્ડીકેટર બોર્ડ, સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગની સુવિધા વધારાશે
વિવિધ સ્પર્ધામાં રેલવે સ્ટાફના વિજેતા બાળકોને મહાનુભાવો દ્વારા પુરસ્કાર એનાયત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી “અમૃત ભારત સ્ટેશન યોજના” અંતર્ગત 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ સ્થિત ભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.81 કરોડના ખર્ચે નવીનીકરણના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રેલ્વે પરિવાર સમગ્ર દેશને જોડતો પરિવાર છે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી અને ગુજરાતથી આસામને જોડનાર રેલ્વે હંમેશા નાગરિકોની મુસાફરી માટે મદદરૂપ બની છે. આજના આ ભક્તિનગર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના શિલાન્યાસના લીધે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોનો માનવ સમય, પૈસા બચશે અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ વગેરે પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્રને મળેલ રેલવેની આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા બદલ વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે મહાનુભાવોનો પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજકોટના રેલ્વે ડિવિઝન રેલ્વે મેનેજર અશ્વિની કુમારે સ્વાગત ઉદબોધન કર્યું હતું. સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાયા બાદ વિવિધ પ્રતિયોગિતાના રેલવે સ્ટાફના વિજેતા બાળકોને મહાનુભાવો દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ રેલવેને લગતી લઘુ ફિલ્મ નિહાળી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતની આઝાદીના અમૃત કાળમાં “’અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના” હેઠળ દેશભરના પ્રમુખ 1300 રેલવે સ્ટેશનોમાં 508 રેલવે સ્ટેશનના વૈશ્વિક સ્તરીય રેલ્વે સુવિધાઓ ઉભી કરવાની દિશાનુ આ મહત્વપુર્ણ પગલુ છે, જેમાં રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશનને રૂ. 26.81 કરોડના ખર્ચે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે સ્ટેશનો પર પ્રવેશદ્વાર અને નિકાસની અલગ-અલગ વ્યવસ્થા તેમજ દિવ્યાંગજનો માટે અનુકૂળ અને ગ્રીન બિલ્ડીંગ ધોરણોને અનુરૂપ સુવિધાઓથી સજજ કરવામાં આવશે.
સ્ટેશન પર મોડ્યુલર શૌચાલય અને પ્લેટફોર્મ પર વધારાના નવા કવર શેડ સ્થાપિત કરવામાં આવશે. ટ્રેનના ઈંડિકેટર બોર્ડ અને ટ્રેન સંબંધિત માહિતી કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અહીં 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે જે મુસાફરોને સર્ક્યુલેટિંગ એરિયામાંથી પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી આવવા જવા માટે ઉપયોગી થશે.તથા નવી પેસેન્જર લિફ્ટ પણ મુકવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયામાં સેલ્ફી પોઈન્ટ અને પાર્કિંગની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ સ્ટેશન તરફ જતા રસ્તાઓને પણ નવા અને સારા બનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, એ.પી.એમ.સી. ચેરમેન જયેશભાઈ બોઘરા, કલેક્ટર પ્રભવ જોશી, અગ્રણી કમલેશભાઈ મીરાણી, સમગ્ર રેલ પરિવાર અને બહોળી સંખ્યામાં લોકો ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિન વૈષ્ણવ, રેલવે કોલસા અને ખાણ રાજ્યમંત્રી રાવ પાટીલ દાનવે, રેલ્વે તથા કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષ સહિતના અધિકારીઓ ઓનલાઇન આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.