કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીપુરીનું વેંચાણ કરતા 183 ભૈયાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 26 સ્થળોએથી પાણીપુરીમાં વપરાતા પાણીના નમુના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત પુરીને તળવા માટે વપરાતા ખાદ્ય તેલમાં ટીપીસી વેલ્યુની પણ ચકાસણી કરવામાં આવી હતી. 30 કિલો બાફેલા બટેકાનો નાશ કરવામાં આવ્યો હતો. અન્ય સ્થળે ચેકિંગ દરમિયાન પેકેજ ડ્રીંકીંગ વોટર અને પિઝામાં વપરાતા ઓરેગાનાનો નમુનો લેવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા માંડા ડુંગર મેઈન રોડ પર શેરી નં.1માં ક્રિષ્ટલ બેવરેજીસમાંથી બિલકીંગ પેકેજ ડ્રીંકીંગ વોટર, દાણાપીઠમાં સ્વામીનારાયણ શેરીમાં નિરમ ટ્રેડર્સમાંથી નેચરસ્મીથ ઓરેગાનો, જ્યુબીલી શાકમાર્કેટીમાં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરમાં બાલાજી માર્કેટીંગમાંથી સર્વર ઓરેગાનો અને આનંદનગર મેઈન રોડ પર ગાયત્રી મંદિર સામે શિવશક્તિ એજન્સીમાંથી મેડિટેરીનાન કલાસીક કેનલ ઓરેગાનો નમુનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત લલુડી વોકળી, 150 ફૂટ રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિ.રોડ,
પુષ્કરધામ મેઈન રોડ, કાલાવડ રોડ, નાના મવા રોડ, ભક્તિનગર સર્કલ, ગીતા મંદિર, ગાયત્રીનગર મેઈન રોડ અને હસનવાડી તથા સહકાર મેઈન રોડ પર પાણીપુરીનું વેંચાણ કરતા 183 ધંધાર્થીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 26 સ્થળોએથી ખજૂરનું મીઠુ પાણી, ફૂદીનાનું ખાટુ-મીઠુ પાણી, ગોળ ખજૂરનું પાણી, આંબલીનું પાણી, ગોળ-ખજૂરનું તિખુ પાણીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અલગ અલગ 11 ભૈયાઓને ત્યાંથી મળી આવેલા 30 કિલો વાસી બાફેલા બટેકાનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. તમામને હાઈજેનીક કંડીશન બાબતે સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પુરી તળવા માટે વપરાતા ખાદ્ય તેલમાં ટીપીસી વેલ્યુની ચકાસણી કરવામાં આવી હતી.
અમુલના નામે વેંચાતા ડુપ્લીકેટ ઘીમાં વેજીટેબલ તેલની ભેળસેળ
આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગત 5 જુલાઈના રોજ ગાંધીનગરની ફૂડ વિભાગની ટીમને સાથે રાખી જૂના માર્કેટીંગ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સ નામની પેઢીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુલ ઘીનો શંકાસ્પદ જથ્થો જણાતા તેનો નમુનો લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં બી.આર.રીડીંગ ઓછા માલુમ પડ્યા હતા. રીચર્ડ વેલ્યુ વધુ માલુમ પડી હતી.
જ્યારે અમુલ ઘીના નામે વેંચાતા આ ડુપ્લીકેટ ઘીમાં વેજીટેબલ તેલની હાજરી મળી આવતા નમુનો પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સોનિયા ટ્રેડર્સમાંથી મોટાપાયે ડુપ્લીકેશન સનફલાવર ઓઈલનો જથ્થો પણ મળી આવયો હતો. કોર્પોરેશનની ટીમને અંધારામાં રાખીને ગાંધીનગરની ફૂડ વિભાગની ટીમે દરોડો પાડી મોટાપાયે અમુલ ઘીનો શંકાસ્પદ જથ્થો અને સનફલાવરનો જથ્થો પકડી પાડ્યો હતો.