એન્જિનિયરીંગ અને ફાર્મસી વિભાગના શ્રેષ્ઠ અધ્યાપકોને તેમના રિચર્સ-એકેડેમીક યોગદાનને માટે કરાયા સન્માનીત
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા દેશના દ્રિતીય રાષ્ટ્રપતિ ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીની ઉજવણીના ઉપક્રમે શ્રેષ્ઠ ્ટેક ગુરુ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીટીયુ સંલગ્ન કોલેજોના 6 અધ્યાપકોનું અભિવાદન કરીને સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમાના મુખ્ય મહેમાન અને વક્તા સ્થાને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના કુલપતિ ભદ્રાયુ વછરાજાનીએ ઉપસ્થિત રહીને આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષક અને શિક્ષણ બન્નેની વ્યાખ્યા વર્તમાન સમયમાં બદલાઈ છે. માત્ર જ્ઞાની હોવાથી નહીં પરંતુ શ્રમ કરી શકે , વિદ્યાર્થીઓ માટે આદર્શ ચારિત્ર સાબિત થઈ શકે તે સાચો શિક્ષક છે, જ્યારે ઈચ્છા શક્તિનો પ્રવાહ સતત વહેતો હોય અને આવિષ્કાર સફળ ફળદાયી બને તે શિક્ષણ છે. વર્ષ-2019થી ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગ્યતા ધરાવતાં શ્રેષ્ઠ અદ્યાપકને જીટીયુ દ્વારા “ટેક ગુરૂ એવોર્ડ” આપવામાં આવે છે. વર્ષ 2022ના ટેક ગુરુ એવોર્ડ માટે ઇટખ એન્જિનિયરીંગ કોલેજ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ શાખાના પ્રોફેસર ડો. જગદિશકુમાર રાઠોડની પસંદગી કરવામાં આવી છે. ટેક ગુરુ એવોર્ડ માટે જીટીયુ સંલગ્ન તમામ કોલેજમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. એકેડેમિક યોગદાન , રિસર્ચ , પબ્લિકેશન અને પેટર્ન સંબંધિત વિવિધ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તજજ્ઞ કમિટી દ્વારા રાજ્યભરમાંથી શ્રેષ્ઠ અધ્યાપકોને ટેક ગુરુ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. એવોર્ડ પ્રાપ્ત કરનાર ડો. જગદિશકુમાર રાઠોડના નામે 19 ભારતીય અને 1 ઓસ્ટ્રેલિયન પેટર્ન નોંધાયેલ છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 140થી વધુ ટેક્નિકલ પેપર્સ પણ રજૂ કરેલા છે. તેમના માર્ગદર્શન હેઠળ 10 વિદ્યાર્થીઓ પી.એચડી કરી ચૂક્યા છે અને વર્તમાન સમયમાં અન્ય 8 વિદ્યાર્થીઓ પી.એચડી કરી રહ્યા છે. 50થી વધુ વર્કશોપ , સેમિનાર અને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેમજ 16થી વધુ વર્કશોપનું આયોજન કરેલ છે. વિશેષમાં ટેક્નિકલ અને ફાર્મસી ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર ડો. જ્યંતિ ચાવડા , ડો. અનિતા મહેતા, પ્રો. પી. આઈ . ભટ્ટ, ડો. લક્ષ્મણસિહ ઝાલા. ડો. અરવિંદકુમાર વર્મા અને શ્રીમતી મમતા દેસાઈનું અભિવાદન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.